વડોદરા,કારનો સોદો કરી ૭.૧૩ લાખ પડાવી લઇ રિકવરી એજન્ટે કાર આપી નહતી. તેમજ રૃપિયા પણ પરત ચૂકવ્યા નહતા. જે અંગે વારસિયા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ન્યૂ વી.આઇ. પી. રોડ કલ્પના નગર સોસાયટીમાં રહેતા અભિષેક નારાયણભાઇ મોહરે ઇ.એમ.એલ. કંપની માટે દાવા સલાહકાર તરીકે કામ કરે છે. વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વાહન વેચાણની માહિતી મળતા મેં બેન્ક ઓફ બરોડાના અધિકારીને કોલ કર્યો હતો.તેમણે મને બેન્કના અધિકૃત અધિકારી અને રિકવરી એજન્ટ હસમુખભાઇ સોલંકી સાથે વાત કરવા કહેતા મેં હસમુખભાઇ મણીલાલ સોલંકી (રહે. નર્મદેશ્વર સોસાયટી, રિફાઇનરી રોડ) ને કોલ કરતા તેમણે કહ્યું હતું કે, હું બેન્કનો રિકવરી એજન્ટ છું. મારી પાસે બે કાર આવી છે. તેમના કહેવાથી હું તેમની ગોત્રી ખાતે આવેલી શિવધારા એન્ટરપ્રાઇઝની ઓફિસે ગયો હતો. તેમણે મને કહ્યું કે, મારા ભાગીદાર ધર્મેન્દ્રસિંહ ચંદ્રસિંહ શિનોરા (રહે. ઓમકાર સોસાયટી, ન્યૂ વી.આઇ.પી.રોડ) છે. હસમુખભાઇએ મને બે કાર બતાવી હતી. બે કારના વેચાણ પેટે મારી પાસેથી કુલ ૭.૧૩ લાખ રૃપિયા આપ્યા હતા. તે પૈકી પાંચ લાખનો ચેક તેમના ભાગીદાર ધર્મેન્દ્રસિંહ શિનોરાના એકાઉન્ટમાં તેમજ ૨.૧૩ લાખ હસમુખભાઇના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. તેમછતાંય મને કાર આપી નહતી તેમજ રૃપિયા પણ પરત ચૂકવ્યા નહતા.