Amrit Bharat Express: નવરાત્રિ દરમિયાન ગુજરાતીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતને તેની પહેલી અમૃત ભારત એક્સ્પ્રેસ ટ્રેન મળી રહી છે. જે સુરતના ઉધનાથી ઓડિશાના બહ્મપુર સુધી સાપ્તાહિક ધોરણે દોડશે. 27 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રેનને લીલી ઝંડી આપી છે. આ દરમિયાન રેલ મંત્રી સુરતના ઉધના રેલવે સ્ટેશન હાજર રહ્યા હતા. આ ટ્રેનમાં CCTV, ચાર્જિંગ પોઇન્ટ સહિતની તમામ સુવિધાઓ કરવામાં આવી છે. આ ટ્રેનમાં દરવાજો ખુલ્લો હશે તો પણ ટ્રેન ચાલુ નહીં થાય એ તમામ મુસાફરોની સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
ઉદ્ઘાટન દરમિયાન ઘર્ષણ
સુરત રેલવે સ્ટેશન પર અમૃત ભારત ટ્રેનના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન સંપૂર્ણ અવ્યવસ્થા જોવા મળી હતી, જેના કારણે ભારે ઘર્ષણ સર્જાયું હતું. ભાજપના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓની મોટી હાજરીએ પરિસ્થિતિને વધુ વણસાવી હતી. આ પ્રસંગે સ્કૂલના બાળકોને પણ રેલવે સ્ટેશન પર લાવવામાં આવ્યા હતા. જોકે, અવ્યવસ્થા ચરમસીમાએ ત્યારે પહોંચી જ્યારે રેલવે અધિકારીઓ દ્વારા કવરેજ માટે બોલાવાયેલા મીડિયા કર્મચારીઓ માટેની જગ્યા પર ભાજપના કાર્યકર્તાઓ અને ઓડિયા સમાજના લોકો બેસી ગયા હતા, જેના કારણે મીડિયા કર્મચારીઓ સાથે ઉગ્ર ઘર્ષણ થયું હતું. આ અવ્યવસ્થાને કાબૂમાં લેવામાં રેલવે પોલીસ સંપૂર્ણપણે અસફળ રહી હતી, અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગેરવ્યવસ્થાનો માહોલ છવાયેલો રહ્યો હતો.
આ પણ વાંચોઃ સિંધુભવન નજીક ક્રાઈમ બ્રાન્ચના નકલી પોલીસ બની યુવકે ભારે તોડબાજી કરી! ધમકાવીને પૈસા પડાવ્યા
ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન
નોંધનીય છે કે, અમૃત ભારત ટ્રેનનો પ્રારંભ સૌ પ્રથમ અયોધ્યાથી ગોરખપુર વચ્ચે થયો હતો. આ સામાન્ય વર્ગના મુસાફરોને ધ્યાને રાખીને બનાવાઈ છે. આ ટ્રેન સસ્તી અને આરામદાયક મુસાફરીનો નવો વિકલ્પ પૂરો પાડશે. ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર 09021/09022 તરીકે ચલાવવામાં આવશે. આ ટ્રેન નંબર 19021 ઉધના-બ્રહ્મપુર અમૃત ભારત એક્સપ્રેસ દર રવિવારે ઉધનાથી રવાના થશે અને વળતી મુસાફરી ટ્રેન નંબર 19022 બ્રહ્મપુર-ઉધના અમૃત ભારત એક્સપ્રેસ દર સોમવારે 6 ઓક્ટોબરથી શરૂ થશે.
આ પણ વાંચોઃ રાજકોટ: નીલ સિટી ક્લબ ફરી વિવાદમાં, ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને VHP કાર્યકરો વચ્ચે બોલાચાલી
બ્રહ્મપુર-ઉધના-બ્રહ્મપુર અમૃત ભારત એક્સપ્રેસ પાંચ રાજ્યોને જોડશે. આ ટ્રેન ઓડિશા, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગુજરાતના મહત્ત્વના જિલ્લાઓને જોડશે. આ ટ્રેન 22 એલએચબી કોચ અને ટ્રેનની બંને એન્જિન ધરાવે છે. જેથી ટ્રેનમાં એન્જિન બદલ્યા વગર બંને દિશામાં મહત્તમ 130થી 160 કિલોમીટરની ઝડપે દોડાવી શકાશે. આ ટ્રેનમાં ઈપી બ્રેક લગાવવામાં આવી છે, બધાં જ કોચમાં એક સાથે બ્રેક લાગશે એટલે તેને રોકાવા માટે એર બ્રેક જેટલો સમય નહીં લાગે અને ઝડપથી રૂકી જશે.
કેટલું હશે ભાડું?
ટ્રેનનું ભાડું અન્ય ટ્રેનના જનરલ કોચ જેટલું જ રાખવામાં આવ્યું છે એટલે કે 495 રૂપિયા અને સ્લીપર કોચનું ભાડું 795 રૂપિયા રાખવામાં આવ્યું છે.