Surat : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રાસ ગરબા સ્પર્ધા ભાગ લેનારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે મજાના બદલે સજા બની ગઈ હતી. સવારે નવ વાગ્યે સ્પર્ધા શરુ થઈ હતી તે સાંજે છ વાગ્યે પુરી થઈ ત્યાં સુધી હાજર રહેનારા તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બેસાડી રખાયા હતા. જો કોઈ પણ કૃતિમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ કે શિક્ષકો હાજર ન રહે તો ગેરલાયક (ડીસક્વોલીફાઈ) કરાથે તેવી જાહેરાત વારંવાર કરવામાં આવતી હતી. જેના કારણે નવ કલાક કરતા વધુ સમય વિદ્યાર્થીઓ અને શિક્ષકો બેસી રહેતા તેઓની હાલત દયનીય થઈ ગઈ હતી.
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વિવાદનું બીજું નામ બની ગઈ છે તેમાં પણ દર વર્ષે થતી રાસ ગરબા સ્પર્ધામાં આ વર્ષે પણ ફરી વિવાદ થયો છે. સમિતિની રાસ ગરબા સ્પર્ધા દર વર્ષે બે દિવસ તબક્કાવાર કરવામાં આવે છે પરંતુ આ વર્ષે એક જ દિવસે કરવામાં આવી હતી. વરાછાના સરદાર પટેલ ઓડિટોરિયમમાં કરવામા આવેલી આ સ્પર્ધામાં એક જ દિવસે 39 કૃતિઓ રજુ કરવામાં આવી હતી.
સ્પર્ધા માટે રજીસ્ટ્રેશનનો સમય સવારે 8.30 વાગ્યાનો રાખવામાં આવ્યો હતો. જેના કારણે શાળામાં વિદ્યાર્થીઓને સવારે સાત વાગ્યે જ બોલાવી લેવાયા હતા. સ્પર્ધા શરૂ થઈ અને એક પછી એક 39 કૃતિઓ દિવસ દરમિયાન રજૂ થઈ હતી. આ સ્પર્ધા દરમિયાન સતત માઈક પર જાહેરાત કરવામાં આવતી હતી કે જે કૃતિ હાજર રહેશે નહીં તે કૃતિઓને ડિસક્વોલીફાઈ જાહેર કરાશે તેઓને નંબર આવ્યો હશે તો પણ સ્પર્ધામાં રહેશે નહીં.
જેના કારણે સવારે 8.30 વાગ્યે આવેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો 6 વાગ્યે સ્પર્ધા પૂરી થયા બાદ બહાર ગયા હતા. ઈનામ આપવા માટે મહાનુભવો આવે ત્યાર ઓડિટોરીયમ ખાલી ન દેખાઈ તે માટે ગેરહાજર કૃતિને કૃતિને ગેરલાયકની ચીમકી સાથે બેસાડી રખાયા હતા. જેથી વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોની હાલત પણ કફોડી થઈ ગઈ હતી. એક જ દિવસમાં 39 કૃતિ અને 9 કલાકથી વધુ સમય બેસાડી રખાતા ફરી એક વાર રાસ ગરબા સ્પર્ધામાં વિવાદ થયો છે.