2016માં થયેલી નિમણૂકો મુદ્દે મમતાને આંચકો
ખોટી રીતે નિમણૂક પામેલા ઉમેદવારોએ તેમને મળેલા પગાર-ભથ્થા પરત કરવા જોઈએ : સુપ્રીમ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં ૨૫ હજાર શિક્ષકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી રદ કરવાના હાઇકોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો છે. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટ કલકત્તા હાઇકોર્ટના ચુકાદામાં દખલગીરી કરવાનો ઇનકાર કર્યો છે.
સુપ્રીમ કોર્ટે સરકારી અને સરકારી સહાય પ્રાપ્ત શાળાઓમાં ૨૫,૭૫૩ શિક્ષકો અને અન્ય કર્મચારીઓની નિમણૂકને અમાન્ય ગણાવી પસંદગી પ્રક્રિયાને દૂષિત ગણાવી છે.
પશ્રિમ બંગાળ સ્કૂલ સર્વિસ કમિશન (ડબ્લ્યુબીએસએસસી) દ્વારા ૨૦૧૬માં ૨૫૦૦૦થી વધુ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી.
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ પી વી સંજયકુમારની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે અમને હાઇકોર્ટના ચુકાદામાં હસ્તક્ષેપ કરવા માટે કોઇ કાયદેસર આધાર કે કારણ જોવા મળ્યું નથી. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને નવેસરથી પસંદગી પ્રક્રિયા શરૂ કરવા અને ત્રણ મહિનાની અંદર પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે ૨૫,૭૫૩ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી કરવા માટે લેવામાં આવેલી પરીક્ષાના ઓએમઆર શીટ સાથે ચેડા કરવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે ૨૦૧૬માં લેવામાં આવેલી પરીક્ષામાં ૨૩ લાખ ઉમેદવારો બેઠા હતાં જેમાંથી ૨૫,૭૫૩ની પસંદગી કરવામાં આવી હતી.
ગયા વર્ષે સાત મેના રોજ સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના ચુકાદા પર સ્ટે મૂક્યો હતો અને સીબીઆઇને આ કેસની તપાસ કરવાના નિર્દેશ આપ્યા હતાં.
આ ચુકાદા અંગે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે ન્યાયતંત્ર પ્રત્યે સર્વોચ્ચ સન્માન છે પણ આ ચુકાદાને સ્વીકાર કરી શકું તેમ નથી.
બેનર્જીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે હું ન્યાયતંત્ર અને ન્યાયમૂર્તિઓનું ખૂબ જ સન્માન કરું છું. જો કે માનવીય દ્રષ્ટિકોણથી હું આ ચુકાદાનો સ્વીકાર કરી શકું તેમ નથી. જો કે તેમણે જણાવ્યું હતું કે તમામ કાયદાકીય વિકલ્પોનો વિચાર કર્યા પછી તે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું પાલન કરશે.