તાલુકા કક્ષાએ મામલતદાર અને શહેરી વિસ્તારમાં નાયબ કમિશનરને પત્ર મોકલાયો
ફટાકડાના લાયસન્સ ધારકો દુકાન કે ગોડાઉનમાં શરતોનો ભંગ કરતા મળી આવશે તો નિયમાનુસારની કાર્યવાહી કરાશે : એસડીએમ
ભાવનગર: ડીસાની ફટાકડા ફેક્ટરીમાં લાગેલી આગે ૨૧ નિર્દોષ મજૂરનો ભોગ લીધાની કરૂણ ઘટના બાદ ભાવનગરમાં તંત્ર સફાળું જાગ્યું છે અને ભાવનગર શહેર અને જિલ્લામાં ફટાકડાની દુકાનો અને ગોડાઉનોમાં તપાસ કરવા આદેશ છોડયા છે.
ડીસામાં બે દિવસ પૂર્વે ફટાકડા ફેક્ટરીમાં અગ્નિકાંડની ઘટના બાદ હવે ભાવનગર જિલ્લામાં પણ રાબેતા મુજબ તપાસના આદેશ છુટયા છે. જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા તાલુકા કક્ષાએ મામલતદાર અને શહેરી વિસ્તારમાં નાયબ કમિશનરને લેખિતમાં પત્ર મોકલી શહેર-જિલ્લામાં ફટાકડાના લાયસન્સ ધરાવતા વેપારીઓને ત્યાં તપાસ કરી શરતોનું પાલન કરવામાં આવે છે કે કેમ ? તે અંગેનો અહેવાલ તૈયાર કરી મોકલવા આદેશ કરાયો છે. તપાસમાં જે વેપારીઓ ફટાકડાની દુકાનો-ગોડાઉનમાં જો કોઈ નિયમ-શરતોનું ઉલ્લંઘન કરતા મળી આવશે તેમની સામે નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે તેમ નિવાસી અધિક કલેક્ટર (એસ.ડી.એમ.) એન.ડી. ગોવાણીએ જણાવ્યું હતું.