ઇપીએફઓએ આઠ કરોડ સભ્યોના દાવાની પ્રક્રિયા સરળ બનાવી
પીપીએફ ખાતામાં નોમિની દાખલ કરવા કે બદલવા માટે કોઇ ફી વસુલ કરી શકાશે નહીં : નાણા પ્રધાન
નવી દિલ્હી: હવે પ્રોવિડન્ટ ફંડમાંથી ઓનલાઇન ઉપાડ કરવા માંગતા અરજકર્તાઓને રદ કરવામાં આવેલા ચેકનો ફોટો અપલોડ કરવાની જરૂર નથી અને તેમના બેંક ખાતાઓને નોકરી પ્રદાતાઓ દ્વારા વેરિફાઇ કરવાની પણ જરૂર નથી તેમ રિટાયરમેન્ટ ફંડ બોડી ઇપીએફઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.
આ નિર્ણયથી લગભગ આઠ કરોડ સભ્યો માટે દાવાઓના નિકાલની પ્રક્રિયામાં તેજી લાવવા અને નોકરી પ્રદાતાઓ માટે બિઝનેસ સુગમતા સુનિશ્ચિત થશે.
હાલમાં એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના સભ્યોએ પીએફ ખાતામાંથી ઓનલાઇન ઉપાડ કરવા માટે અરજી કરતી વખતે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન) અથવા પીએફ નંબર સાથે જોડાયેલ બેંક ખાતાની ચેક અથવા પાસબુકની વેરિફાઇડ ફોટો કોપી અપલોડ કરવાની હોય છે. નોકરી પ્રદાતાને પણ અરજકર્તાના બેંક ખાતાની માહિતીને સ્વીકૃત કરવું ફરજિયાત છે.
શ્રમ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું છે કે ઇપીએફઓએ ઓનલાઇન દાવો દાખલ કરતી વખતે ચેક અથવા વેરિફાઇડ બેંક પાસબુકનો ફોટો અપલોડ કરવાની જરૂરિયાતને સંપૂર્ણ રીતે સમાપ્ત કરી દીધી છે.
ઇપીએફઓએ વધુમાં જણાવ્યું છે કે આ ઉપાયોથી દાવાઓના નિકાલની પ્રક્રિયામાં ઉલ્લેખનીય સુધારો જોવા મળશે અને દાવાઓને ફગાવવા સંબધિત ફરિયાદોમાં ઘટાડો થશે.
બીજી તરફ નાણા પ્રધાન નિર્મલા સિતારમને જણાવ્યું છે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (પીપીએફ) ખાતાઓમાં નોમિની દાખલ કરવા અથવા તેમાં કોઇ ફેરફાર કરવા માટે ફી વસુલ કરવામાં આવશે નહીં.
નાણા પ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે તાજેતરમાં પીપીએફ ખાતાઓમાં નોમિની દાખલ કરવા અથવા તેમાં ફેરફાર કરવા માટે નાણાકીય સંસ્થાઓ દ્વારા ફી વસુલ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.