અમદાવાદ,શનિવાર
શહેરના સાંરગપુરમાં આવેલા ઘંટાકર્ણ મહાવીર ક્લોથ માર્કેટના વેપારી પાસેથી મુંબઇના બે વેપારીઓએ ૨૦ દિવસમાં નાણાં ચુકવણી કરવાનું કહીને ૪.૧૫ કરોડની કિંમતનું કાપડ લઇને માત્ર ૨૫ લાખ ચુકવીને રૂપિયા ૩.૯૦ કરોડની રકમ નહી ચુકવીને છેતરપિંડી આચરી હતી. આ અંગે આર્થિક ગુના નિવારણ શાખાની ન્યુ ક્લોથ માર્કેટ વિંગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
શહેરમા પાલડીમાં આવેલા પાર્થ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રમીતભાઇ શાહે સાંરગપુરમાં આવેલી ધંટાકર્ણ મહાવીર ક્લોથ માર્કેટમાં વ્યવસાય કરે છે. આશરે દોઢ વર્ષ પહેલા ક્રિષ્ણા ઓમ ગુપ્તા (રહે. કીયા પાર્ક એપાર્ટમેન્ટ, અંધેરી, મુંબઇ) દ્વારા તેમનો સંપર્ક કરીને કાપડની ખરીદી કરવામાં આવી હતી. છ મહિના પછી ક્રિષ્ણા ગુપ્તાએ અજય રસ્તોગી નામના વેપારી સાથે પરિચય કરાવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે અજય રસ્તોગી તેનો મોટા વેપારી છે. જેથી વિશ્વાસ રાખીને પ્રમીતભાઇએ તેમની સાથે ધંધો કરવાનું નક્કી કર્યું હતું.
ત્યારબાદ અજય અને ક્રિષ્ણાએ અલગ અલગ સમયે કુલ ૪.૧૫ કરોડનો કાપડનો જથ્થો લઇને માત્ર ૨૫ લાખની ચુકવણી કરી હતી. ત્યારબાદ બાકીની રકમ ચુકવી નહોતી. આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બંને ગઠિયાઓએ ચોક્કસ મોડ્સ ઓપરેન્ડીથી અન્ય વેપારીઓ સાથે પણ કરોડોની છેતરપિંડી કરી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.