Vadodara Corporation : અમારે હવે તમારું કામ કરવું નથી. નોકરી જાય તો ભલે, હવે મજૂરી કરીશું તેમ રોષે ભરાઈને એક અવાજે કહેનારા ગોત્રી ગાર્ડનના સફાઈ કર્મીઓએ અસમાન અને અનિયમિત વેતન, વહાલા દવલાની નીતિના વિરોધમાં એકાએક કામ મોકૂફ કરવાની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે શહેરને સુંદર બનાવવાના પ્રયાસોમાં બાગ બગીચાની સફાઈ પાયા રૂપ ગણાય છે ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોતી ગાર્ડનમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા સફાઈ કર્મચારીઓએ ગાર્ડન શાખાના કોન્ટ્રાક્ટર દ્વારા અપૂરતા વેતન સામે રોષ પ્રગટ કર્યો છે. કોન્ટ્રાક્ટર દ્વારા તમામ સફાઈ કર્મીઓને રૂપિયા 6 હજારથી 8 હજાર સુધીનું જુદું જુદું વેતન આપીને વહાલા દવલાની નીતિ અપનાવતી હોવાના આક્ષેપો કર્યા છે. જોકે તા.15 સુધીમાં પગાર થવાની હૈયાધારણ આપવા છતાં તા.20 સુધી પણ ક્યારેક પગાર થતો નથી. મોટાભાગના સફાઈ કર્મીઓ બેંક ધિરાણના હપ્તા પણ નિયમિત ભરી શકતા નથી. પરિણામે સફાઈ કર્મીઓનું આર્થિક બજેટ વારંવાર ખોરવાઈ જાય છે.
પાલિકા તંત્ર સમક્ષ આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં અને કમિશનરને આ અંગે લેખિત રજૂઆતો કરવા છતાં છેલ્લા આઠ મહિનાથી પાયાની સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી. હવે તો નોકરી જાય તોય ભલે. મજુરી કરીને જીવન ગુજારો કરીશું તેવું એક અવાજે સફાઈ કર્મીઓએ જણાવ્યું હતું. તમામ સફાઈ કર્મીઓ એકસરખું કામ કરતા હોવા છતાં પણ પગાર આપવામાં વહાલા દવલાની નીતિ રખાતી હોવાના આક્ષેપો સાથે ગોત્રી બગીચાના તમામ કોન્ટ્રાક્ટ કર્મીઓ ધરણા પર ઉતરી જતા તંત્ર દોડતું થયું છે.