મુંબઈ : સપ્ટેમ્બરમાં સમાપ્ત થનારી વર્તમાન ખાંડ મોસમમાં ભારત સાત લાખ જેટલી ખાંડની નિકાસ કરશે તેવી ઈન્ડિયન સુગર એન્ડ બાયો એનર્જી મેન્યુફેકચરર્સ એસોસિએશન (ઈસ્મા) દ્વારા ધારણાં મૂકવામાં આવી છે. સરકારે ૧૦ લાખ ટન ખાંડની નિકાસ છૂટ આપી છે.
દેશમાં ખાંડનો વધુ સ્ટોક રહેશે તેવી ધારણાંએ સરકારે આ છૂટ આપી હતી, પરંતુ વર્તમાન મોસમમાં ખાંડનું ઉત્પાદન અંદાજ કરતા નીચુ રહેવાની શકયતા જોવાઈ રહી છે. નીચા ઉત્પાદનની સ્થિતિમાં ખાંડના પૂરવઠા પર અસર પડી શકે છે, એમ ઈસ્માના સુત્રોએ જણાવ્યું હતું.
દસ લાખ ટનની પરવાનગી સામે ભારત સાત લાખ ટન જેટલી જ ખાંડ નિકાસ કરી શકશે એમ ઈસ્માના કિરણ વાધવાનાએ નિવા ખાતેની એસએન્ડપી ગ્લોબલ ખાંડ પરિષદમાં જણાવ્યું હોવાનું પ્રાપ્ત અહેવાલમાં જણાવાયું હતું.
દેશમાં ખાંડના વેપાર પર સરકારનું સખત નિયમન રહે છે એટલું જ નહીં ખેડૂતોને શેરડીના ભાવ પૂરા પાડવામાં પણ સરકારની સતત દરમિયાનગીરી થતી રહે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે વર્તમાન ખાંડ મોસમમાં ઓકટોબરથી ૧૫ એપ્રિલ દરમિયાન દેશમાં ખાંડનું એકંદર ઉત્પાદન વાર્ષિક ધોરણે ૧૮.૪૦ ટકા ઘટી ૨૫૪.૨૫ લાખ ટન રહ્યું છે. વર્તમાન મોસમમાં ખાંડનું ઉત્પાદન વપરાશ કરતા નીચુ રહેવા ધારણાં મૂકવામાં આવી રહી છે.
નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટિવ સુગર ફેકટરીસના ડેટા પ્રમાણે દેશના ત્રણ રાજ્યો ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર તથા કર્ણાટકમાં સાકરના ઉત્પાદનમાં વર્તમાન વર્ષમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
ખાંડનું ઉત્પાદન જે રીતે ઘટી રહ્યું છે તેને જોતા તેનું સ્તર માગ કરતા નીચે જોવા મળવાની શકયતા નકારાતી નથી, એમ ફેડરેશનના સુત્રોએ અગાઉ જણાવ્યું હતું. દેશમાં અનેક વર્ષો પછી એવી સ્થિતિ જોવા મળવા સંભવ છે જેમાં ખાંડના વપરાશ કરતા ઉત્પાદન નીચુ હશે.
વર્તમાન વર્ષમાં ખાંડનું નેટ ઉત્પાદન ૨૫૯ લાખ ટન રહેવા ધારણાં છે જે ૨૦૨૩-૨૪ની ગઈ મોસમ (ઓકટોબર-સપ્ટેમ્બર)માં ૩૧૯ લાખ ટન રહ્યું હતું.