– સ્વામી ચૈતન્યાનંદને કોર્ટે પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો
– ચૈતન્યાનંદે વિદ્યાર્થિનીઓ પર નજર રાખવા બાથરૂમ સહિતના સ્થળે સીસીટીવી લગાવ્યા હતા : કોર્ટમાં ખુલાસો
નવી દિલ્હી: દિલ્હીની એક ખાનગી સંસ્થામાં 17 વિદ્યાર્થિનીઓનું શોષણ કરવાના આરોપી અને બની બેઠેલા સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતીની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. વિદ્યાર્થિનીઓ દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી તે બાદથી પોલીસ આ બાબાને શોધી રહી હતી, જોકે તે આગરાની એક હોટેલમાં છુપાયો હતો જ્યાંથી પોલીસે તેને ઝડપી પાડયો હતો અને કોર્ટમાં રજુ કર્યો હતો.
ચૈતન્યાનંદને દિલ્હીની કોર્ટે પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. ૬૨ વર્ષીય આ બાબાએ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતી ગરીબ વર્ગની અનેક વિદ્યાર્થિનીઓનો વોટ્સએપ દ્વારા સંપર્ક કર્યો હતો અને તેને શારીરિક સંબંધ બાંધવા માટે બળજબરી કરતો હતો. વિદ્યાર્થિનીઓને બદલામાં વિદેશ મોકલવાની લાલચ આપતો હતો. રોષે ભરાયેલી વિદ્યાર્થિનીઓએ આ બાબાની સામે પોલીસમાં જઇને ફરિયાદ કરી દીધી હતી. જે બાદથી પોલીસ તેને શોધી રહી હતી.
કોર્ટમાં જ્યારે બાબાને રજુ કરવામાં આવ્યો ત્યારે આ સમગ્ર મામલે નવા ખુલાસા થયા હતા, તપાસકર્તાઓએ કહ્યું હતું કે બાબાએ અનેક વિદ્યાર્થિનીઓને ધમકીઓ આપી હતી, વિદ્યાર્થિનીઓની અવર જવર પર નજર રાખવા સીસીટીવી કેમેરા લગાવાયા હતા, કેટલાક કેમેરા તો બાથરૂમ સુધી લગાવાયા હતા. બીજી તરફ બાબાના વકીલે દલીલ કરી હતી કે મને પરેશાન કરવા પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવી રહ્યો છે. જોકે ફરિયાદીના વકીલે દલીલ કરી હતી કે બાબાને કસ્ટડીમાં લેવો જરૂરી છે કેમ કે તેની પૂછપરછ કરવાની બાકી છે. બીજી તરફ બાબાને શોધવામાં પોલીસે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો, કેમ કે બાબા પોતાને પીએમઓ સાથે સંકળાયેલો હોવાનું જુઠ બોલીને બચાવતો ફરતો હતો, તેણે અત્યાર સુધીમાં અનેક સ્થળો બદલ્યા હતા. જોકે અંતે પોલીસે તેને આગરાની એક હોટેલમાંથી ઝડપી પાડયો હતો.