Sardar Vallabhbhai Patel International Airport : સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રવિવારે સવારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈ-મેલ મળતાં સુરક્ષાકર્મીઓમાં ખળભળાટ મચી ગયો હતો. તપાસમાં આ ધમકી ખોટી નીકળી, પરંતુ પોલીસે ગુનો નોંધીને ઈ-મેલ મોકલનારને શોધવાની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, એરપોર્ટના સત્તાવાર ઈ-મેલ એકાઉન્ટ અને અન્ય આંતરિક સરનામાં પર રવિવારે સવારે 6.06 વાગ્યે એક ધમકીભર્યો ઈ-મેલ આવ્યો હતો. જેમાં એરપોર્ટના બિલ્ડિંગ્સમાં બોમ્બ મૂક્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને અધિકારીઓને ’24 કલાકમાં પ્રતિક્રિયા આપવા અથવા લોહીના ખાબોચિયા’ જોવાની ધમકી આપવામાં આવી હતી. ઈ-મેલમાં મોકલનારે પોતાને આતંકવાદી ગ્રુપ ‘ટેરરાઈઝર્સ 111’ નો લીડર ગણાવ્યો હતો અને ‘હું શેતાનનું બાળક છું’ જેવા વાક્યોનો ઉપયોગ કર્યો હતો.
અદાણી એરપોર્ટના વરિષ્ઠ કર્મચારી રવિકાંત જાટ ભારદ્વાજે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે તેઓ વહેલી સવારની શિફ્ટમાં ફરજ પર હતા ત્યારે અદાણી સિક્યુરિટી મેનેજરે તેમને આ ઈ-મેલ વિશે જાણ કરી હતી. ઈ-મેલની સમીક્ષા કર્યા બાદ સુરક્ષા સમિતિએ તેને ‘બોમ્બની ધમકીને ખોટી” ગણી હતી. પ્રોટોકોલ મુજબ ભારદ્વાજે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.
એરપોર્ટ પોલીસે અજાણ્યા ઈ-મેલ મોકલનાર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને માહિતી ટેકનોલોજી અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે ‘ઈ-મેલ નકલી અથવા અજાણ્યા એકાઉન્ટ પરથી મોકલવામાં આવ્યો હોય તેવું લાગે છે. અમે સાયબર નિષ્ણાતોની મદદથી તેના મૂળને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’
અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે કોઈ વિસ્ફોટકો મળ્યા નથી અને એરપોર્ટની કામગીરી પર કોઈ અસર થઈ નથી. જોકે, આ ઘટના બાદ સાયબર તપાસ ચાલુ રહે ત્યાં સુધી સુરક્ષા કડક કરવામાં આવી છે.