Navratri 2025: એક તરફ જ્યાં મોબાઈલ અને પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણ સામે ગુજરાતની પ્રાચીન લોકનાટ્ય કલા ભવાઈ અસ્તાચળના આરે આવીને ઊભી છે, ત્યાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના લીલાપુર ગામના ગ્રામજનોએ આ કલાને તેના વિશુદ્ધ આધ્યાત્મિક સ્વરૂપમાં 125 વર્ષથી જીવંત રાખી છે. જ્યાં વ્યાવસાયિક દ્રષ્ટિએ જેમને ભવાઈ સાથે સંબંધ નથી એવા લીલાપુરના વડીલ કે યુવાનો ભક્તિ ભાવથી માતાજીની જાતર અંતર્ગત ભજવે છે ભવાઈના વેશ, આજે પણ ચાચર ચોક બની જાય છે માતાજીનું મંદિર. ઝાલાવાડ પંથકમાં આજે પણ લોકો કહે છે કે, “ભાઈ, નોરતાં-નવરાત્રિ તો લીલાપુરની જ.”
સિદ્ધપુરના અસાઇત ઠાકરની કલાનું સંવર્ધન
ઇ.સ. 1320 થી 1390ના ગાળાના ગણાતા ભવાઈના આદ્યપિતા અસાઇત ઠાકર રચિત 360 વેશોમાંથી આજે માંડ 40-50 વેશો બચ્યા છે. ત્યારે લીલાપુરના યુવાનો દ્વારા પાંચ-પાંચ પેઢીથી નવરાત્રિના છેલ્લા ત્રણ દિવસ (સાતમ, આઠમ અને નોમ) દરમિયાન રાત્રે દસ વાગ્યાથી પરોઢ સુધી પૌરાણિક, ઐતિહાસિક અને ભવાઈ વેશોની ભજવણી થાય છે.
આ ભવાઈની ખાસિયત એ છે કે તે પેટિયું રળવા માટે નહીં, પણ માત્ર માતાજીની ભક્તિ અને પરમ શક્તિની આરાધના માટે જ ભજવાય છે. અહીં ઈશ્વરના માતૃસ્વરૂપની પૂજા ભાવના પ્રમુખ છે.
માતાજીના સામૈયા વિના ન થાય શુભારંભ
લીલાપુરની ભવાઈની આધ્યાત્મિક ભૂમિકા અજોડ છે. ગ્રામજનોની દૃઢ માન્યતા મુજબ, ગામના ઔદિચ્ય બ્રાહ્મણો માતાજીનું સામૈયું ન કરે ત્યાં સુધી ભવાઈનો શુભારંભ થઈ શકતો નથી. સાયંકાળની આરતી બાદ વેદમંત્રોનું ગાન થાય છે અને પછી બહુચરાજીનો વેશ નગારા, ભૂંગળ અને ઝાંઝના વાજિંત્રોથી આવણું કરે છે. બહુચરાજીના વેશના પ્રત્યેક ગાવણાં વખતે પ્રેક્ષકો પગે લાગવા માટે પડાપડી કરે છે અને શ્રીફળ તથા પૈસાના વધામણાં કરે છે. આ દૃશ્યને કારણે લીલાપુરનો ચાચર ચોક ક્ષણભર માટે જાણે કે માતાજીનું મંદિર બની જાય છે.
વિરોધ વંટોળ વચ્ચે ટકી રહેલી પરંપરા
આજથી સવાસો વર્ષ પૂર્વે સૌરાષ્ટ્રમાં લોકજીવન અત્યંત રૂઢિચુસ્ત હતું. તે સમયે આધ્યાત્મિક ભાવથી ભવાઈના સ્વાંગમાં સ્ત્રીપાઠ કરનાર બ્રાહ્મણોને નાતબહાર મૂકવામાં આવતા હતા. કન્યા ન મળવાના કારણે અનેક કલાકારોએ સંસારનો ત્યાગ કરવો પડ્યો હતો. આવા વિરોધના વંટોળ વચ્ચે પણ લીલાપુરના ભવાઈ રમનાર બ્રાહ્મણોએ ભિક્ષા માંગી, જાતે રસોઈ બનાવી, પરંતુ માતાજી પરની શ્રદ્ધા જાળવી રાખીને ભવાઈ રમવાનું ચાલુ રાખ્યું. આ અડગ શ્રદ્ધાને પરિણામે જ લીલાપુરની ભવાઈ આજપર્યંત 125 વર્ષ સુધી જીવંત રહી, જે સંસ્કૃતિ પ્રેમીઓ માટે એક અમૂલ્ય વારસો છે.
આ પણ વાંચો: જામનગરમાં વિજયા દશમીએ સિંધી સમાજ દ્વારા આયોજિત રાવણ દહનના પૂતળાને આખીર ઓપ આપવા તડામાર તૈયારી
અમૂલ્ય સાંસ્કૃતિક વારસો
લીલાપુરની નવરાત્રિનું પ્રભાવશાળી તત્ત્વ એ છે કે તેમણે આ ઉત્સવને કોઈ વિકૃતિ કે ખોટી ઝાકઝમાળથી અભડાવ્યા વિના તેના વિશુદ્ધ, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સ્વરૂપમાં સુરક્ષિત રાખ્યો છે. સંધ્યા સમયની જગદંબાની આરતી અને વૈદિક મંત્રોચ્ચારથી થતી પુષ્પાંજલિ જોનારને એવી અનુભૂતિ કરાવે છે કે જાણે આરાસુરની અંબા અહીં લીલાપુરમાં પ્રગટ થયાં છે.