Bareilly Violence : ઉત્તર પ્રદેશના બરેલીમાં શુક્રવારે (26 સપ્ટેમ્બર) હિંસા મામલે FIR નોંધાયા બાદ ચોંકાવનારો ખુલાસો થયો છે. એફઆઈઆરમાં હિંસા એક ષડયંત્ર હોવાનો અને તેમાં IMC પ્રમુખ મૌલાના તૌકીર રજા ખાન આરોપી નંબર-1 હોવાનો ઉલ્લેખ થયો છે. તેમણે દેખાકારોને નિર્દેશ આપ્યો હતો કે, ભલે પોલીસની હત્યા કરવી પડે, મુસ્લિમોની તાકાત બતાવવી પડે, આજે શહેરનો માહોલ બગાડવાનો છે.
હિંસા મામલે આઠ લોકોની ધરપકડ
પોલીસે તૌકીર રજા સહિત આઠ લોકોની ધરપકડ કરી છે. આ ઉપરાંત કુલ 20 એફઆઈઆર નોંધાઈ છે, જેમાં 2000થી વધુ લોકોના નામ સામેલ છે. હિંસામાં 10 પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે અને ગેરકાયદે હથિયારો પણ મળી આવ્યા છે. હિંસાએ વધુ ઉગ્ર બન્યા બાદ 48 કલાક સુધી ઈન્ટરનેટ બંધ કરી દેવાયું છે.
તૌકીરે ભીડને ઉશ્કેરી
શુક્રવારની નમાજ બાદ આલા હઝરત દરગાહ અને તૌકીર રઝાના નિવાસસ્થાન બહાર અનેક દેખાવકારો એકઠા થયા હતા. આ તમામ લોકો ‘આઈ લવ મુહમ્મદ’ના પોસ્ટરો લઈને આવ્યા હતા અને રેલી યોજવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે તંત્રએ તેઓને રેલી કરવાની મંજૂરી આપી ન હતી. ભીડમાંથી કેટલાક દેખાવકારો ‘ગુસ્તાખ-એ-નબી કી એક હી સજા, સર તન સે જુદા’ જેવા ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા મામલો તણાવપૂર્ણ બન્યો હતો. ભીડે તૌકીર રજાના કથિત નિવેદનનો ઉલ્લેખ કરીને સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. ‘મૌલાના તૌકીર રજાએ કહ્યું હતું કે, આજે શહેરનો માહોલ બગાડવાનો છે, ભલે પોલીસવાળાઓની હત્યા કરવી પડે અને મુસ્લિમોએ તાકાત દેખાડવી પડે.’ ત્યારબાદ ભીડે સરકાર વિરોધી નારા શરૂ કરતા મામલો વધુ બગડ્યો હતો. જેના કારણે કોતવાલી, અલમગીરપુર, સિવિલ લાઇન્સ, બડા બજાર અને બનસમંડી વિસ્તારોમાં દુકાનો બંધ થઈ ગઈ હતી તેમજ વાહનો પર પથ્થરમારો થયો હતો.
આ પણ વાંચો : ઉત્તરપ્રદેશના વારાણસીમાં પદ્મશ્રી એવોર્ડી પૂર્વ ઓલિમ્પિક ખેલાડીના મકાન પર બુલડોઝર ફેરવાયું
પેટ્રોલ બોંબ અને હથિયારોથી પોલીસ પર હુમલો કરાયો
પોલીસ એફઆઈઆર મુજબ, દેખાવો દરમિયાન ગુનેગારોને પહેલેથી જ બોલાવી લેવાયા હતા. તૌકીરે, તેના સહયોગી નદીમ અને અન્ય પદાધિકારીઓએ ષડયંત્ર રચીને હિંસા શરૂ કરાવી હતી. હથિયારો સાથે આવેલી ભીડે પોલીસ પર ફાયરિંગ કર્યું હતું, જેનાથી જાનથી મારવાનો ઈરાદો સ્પષ્ટ દેખાઈ આવ્યો હતો. દેખાવકારોએ પોલીસ કર્મચારીઓ પાસેથી ડંડા છિનવી લીધા હતા, તેમના ડ્રેસના બેચ પણ ખેંચી લીધા હતા, કાંચની બોટલો ભરેલા પેટ્રોલ બોંબ ફેંક્યા હતા, જેમાં અનેક પોલીસ કર્મચારીઓને ઈજા થઈ હતી. એટલું જ નહીં ધારદાર હથિયારોથી પણ હુમલો કરાયો હતો, જેમાં 10 પોલીસ કર્મચારીઓને ગંબીર ઈજા થઈ હતી.
ઘટનાસ્થળેથી મોટાપ્રમાણમાં હથિયારો મળી આવ્યા
પોલીસે હિંસા બાદ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં મોટીપ્રમાણમાં હથિયારો મળી આવ્યા હતા. આ હથિયારોનો ઉપયોગ પોલીસ પર હુમલો કરવા માટે કરાયો હતો. ડીઆઈજી અજય કુમાર સાહનીએ હિંસાને પૂર્વઆયોજીત ષડયંત્ર અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં શાંતિ ભંગ કરવાનો અને રાજ્યની વિકાસ યોજનાઓને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ ગણાવ્યો છે. બરેલીના એસએસપી અનુરાગ આર્યએ કહ્યું કે, કૌરીપ લબિક આઠ આરોપીઓને જેલમાં ધકેલાયા છે. તૌકીરના નજીકનાઓ પણ કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. કાર્યવાહી હેઠળ તૌકીરના ખાસ નફીસની માર્કેટ સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત નગર નિગમે દુકાનદારોને માર્કેટ ખાલી કરવા આદેશ આપ્યો છે. ત્રણ વર્ષથી માર્કેટ ખાલી કરવાની નોટિસ અપાઈ રહી છે.
આ પણ વાંચો : પોલીસે ગાડીઓની બ્લેક ફિલ્મ ઉતારતા ભાજપના દિગ્ગજ નેતા ભડક્યા, કહ્યું- પહેલા તમારી કાર જુઓ