– અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં ઘેરી અસર
– દક્ષિણ ગુજરાતમાં આઠ ઈંચ સુધી વરસાદ ખાબક્યોઃ અમદાવાદ, સુરત, વડોદરા, વલસાડમાં ગરબાના આયોજનો ૧ દિવસ રદ
અમદાવાદ: આગોતરી આગાહી અનુસાર જ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં નવરાત્રી સાથે જ મેઘરાજાની પધરામણી થઈ છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદી તાંડવ થયું હોય તેમ દોઢથી માંડીને આઠ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આઠ ઈંચ સુધી વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને ગરબાની ધૂમ મચે છે તેવા મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં વરસાદી માહોલના કારણે નવરાત્રીની ઉજવણીમાં વિક્ષેપ સર્જાયો છે. ચાર મહાનગરો અને આસપાસના અનેક ગામોમાં ગરબાના અનેક આયોજનો એક દિવસ માટે રદ કરવાની ફરજ પડી હતી. કચ્છના રાપરમાં ઝાપટાં સિવાય બફારા વચ્ચે વરસાદની સંભાવના છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ હજુ બે દિવસ સુધી રહેવાની આગાહી કરાઈ છે. નવરાત્રી દરમિયાન અમદાવાદ અને ગાંધીનગર શહેર જાણે એક બની ગયાં છે. નવરાત્રીની ઉજવણીની ધૂમ જામી હતી ત્યાં રવિવારે બપોરથી અમદાવાદ – ગાંધીનગર વચ્ચે વરસાદી માહોલથી નવરાત્રીની ઉજવણી ધોવાઈ ગઈ હતી. બપોરથી રાત સુધીમાં દોઢથી બે ઈંચ વરસાદથી અમદાવાદ અને ગાંધીનગર હાઈવે ઉપર નવરાત્રીના સરકારી અને ખાનગી આયોજનો રવિવારે મુલતવી રાખવા પડયાં હતાં. અમદાવાદ – ગાંધીનગરમાં શેરી અને સોસાયટીઓના ઘણાંખરાં ગરબામાં આરતી સાથે આદ્યશક્તિની આરાધનાનું ગાન કરાયું હતું. હજુ વરસાદની આગાહી હોવાથી સોમવારની સ્થિતિ શું હશે તેના ઉપર ખેલૈયાઓની નજર છે.
નવસારી-વલસાડ જિલ્લામાં ચક્રવાતથી ભારે ખાનાખરાબી
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ૮ ઇંચ સુધીના વરસાદને પગલે પાણીની રેલમછેલ થઇ જવા સાથે નવરાત્રિ આયોજનો પર પાણી ફરી વળ્યા હતા. નવસારી અને વલસાડ જિલ્લામાં શનિવારે રાત્રે ચક્રવાત સાથેના વરસાદને કારણે ખાનાખરાબી થઇ હતી. અનેક મકાનોના પતરા, વૃક્ષો અને વીજપોલ જમીનદોસ્ત થયા હતા. કુલ ૩૭ માર્ગ બંધ રહ્યા હતા. રવિવારે સાંજે ૪ વાગ્યા સુધીના ૨૨ કલાકમાં સાપુતારામાં ૮ ઇંચ સહિત જિલ્લામાં સરેરાશ ૫.૧ ઇંચ વરસાદ પડતા નદીઓ ફરી બે કાંઠે વહેવા લાગી છે અને ૨૨ જેટલા ગ્રામ્ય માર્ગ પાણીને લઈ અવરોધાયા હતા. વલસાડ જિલ્લામાં કપરાડામાં સૌથી વધુ ૮ ઇંચ વરસાદ વરસ્યો હતો. ચક્રવાત સાથેના વરસાદમાં ચીખલી અને વાંસદામાં ૨૪થી વધુ ગામોમાં મકાનો સાથે ખેતીવાડીમાં પાકોને પારાવાર નુકસાન થયું છે. જિલ્લામાં સાર્વત્રિક સરેરાશ ૨.૧ ઇંચ વરસાદ પડયો હતો. સુરત જિલ્લામાં સવારે છ થી સાંજે છ વાગ્યા સુધીના ૧૨ કલાકમાં ઉમરપાડામાં ૩ ઇંચ, માંગરોળ, કામરેજમાં બે ઇંચ, સુરત શહેરમાં દોઢ ઇંચ સહિત જિલ્લામાં સરેરાશ દોઢ ઇંચ વરસાદી પાણી પડયું હતું. તાપી જિલ્લામાં નિઝરમાં સૌથી વધુ ૨.૪ ઇંચ વરસાદ પડયો હતો.
વલસાડમાં ચક્રવાતથી મકાનોના પતરા અને વૃક્ષો ધરાશાયી
વલસાડમાં શનિવારે રાત્રે ૧૦ પછી ભારે પવન-ચક્રવાત અને કડાકા ભડાકા સાથે પડેલાં ધોધમાર વરસાદે નવરાત્રિનો માહોલ બગાડવા સાથે ભારે તારાજી સર્જી હતી. ચક્રવાતને કારણે ગરબા મંડપોનાં સ્ટેજો, મંડપો, સ્ટોલો, ખુરશીઓ હવામાં ફંગોળાતા લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. ૧૫૦થી વધુ વૃક્ષો તુટી પડવા સાથે ૧૫૦થી વધુ મકાનોના પતરા ઉડયા હતા. ૮ બોટ તૂટી ગઈ હતી તો સોલર પેનલો પણ ફંગોળાઇ હતી. માછીમારોની દરિયા કિનારે લાંગરેલી ૮ બોટ ભારે પવનને કારણે અથડાઈને બે ટુકડા થઈ ગઇ હતી. કેટલીક બોટ દરિયાના વહેણમાં ખેચાઇ ગઈ હતી. સેગવી ગામમાં પણ ૩૦ થી ૪૦ મકાનોના પતરા તૂટી ગયા હોવાની માહિતી સરપંચે આપી હતી. પારનેરા ડુંગર ઉપર માતાજીના દર્શને ગયેલાં સેંકડો ભક્તો વીજળી બંધ થતાં ડુંગર ઉપર ફસાયા હતા.
વડોદરામાં વરસાદથી તમામ મોટા ગરબા કેન્સલ કરાયા
વરસાદની આગાહી વચ્ચે આજે બપોરે વડોદરા શહેરમાં વરસાદની એન્ટ્રી થતાં સાંજ સુધીમાં મોટાભાગના ગ્રાઉન્ડ પર પાણી ભરાઇ ગયા હતા. શહેરમાં નવરાત્રિના તહેવારોમાં ૨૬ મોટા ગરબાનું આયોજન થયું છે અને તે પૈકીના મોટાભાગના આયોજકોએ ગરબા કેન્સલ કર્યાં હોવાનું જણાવ્યું હતું. વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિના આયોજકોએ પણ આજે ગરબા કેન્સલ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
સૌરાષ્ટ્રમાં ઝાપટાંથી માંડીને બે ઈંચ સુધી વરસાદ
સૌરાષ્ટ્રમાં મેઘાવી મહોલ છવાયો હતો અને સાંજે છ વાગ્યા બાદ હળવા-ભારે ઝાપટાં સાથે બે ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાવાથી નવરાત્રિની ઉજવણીમાં વિઘ્ન આવ્યું હતું અમુક ગરબી-ગરબા મુલત્વી પણ આખવામાં આવ્યા હતા.ભાવનગર જિલ્લાના મહુવામાં બે ઈંચ, ભાવનગર, સિંહોર અને ગઢડામાં દોઢ ઈંચ, અમરેલી જિલ્લાના જાફરાબાદ, ખાંભા, રાજુલામાં એક ઈંચ, જ્યારે રાજકોટ શહેરમાં મોડી સાંજે તોફાની પવન સાથે ધોધમાર વરસાદ ચાલુ થયો હતો અને એકાદ કલાકમાં અડધા ઈંચ જેવો વરસી જતાં સર્વત્ર પાણી ફરી વળ્યા હતા. આ સાથે આજે ૫૦-૬૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની આગાહી હોવાથી દરિયાઈ બંદરો પર ૩ નંબરના સિગ્નલ લગાડીને માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચના આપવામાં આવી હતી.
રવિવારે ક્યાં વધુ |
||
તાલુકો |
જિલ્લો |
ઈંચમાં |
અંકલેશ્વર |
ભરૃચ |
૪.૨૫ |
ડેડિયાપાડા |
નર્મદા |
૪.૦૦ |
કપરાડા |
વલસાડ |
૪.૦૦ |
ઉમરગાંવ |
વલસાડ |
૩.૨૫ |
ધરમપુર |
વલસાડ |
૩.૨૫ |
ઉમરપાડા |
સુરત |
૩.૦૦ |
જઘડિયા |
ભરૃચ |
૩.૦૦ |
દેવગઢબારિયા |
દાહોદ |
૨.૮૫ |
ભરૃચ |
ભરૃચ |
૨.૮૦ |
નડિયાદ |
ખેડા |
૨.૫૦ |