1કરોડથી વધુનો વેરો વસુલવામાં મનપાના બેવડા ધોરણ : જવાબદાર અધિકારીઓની બેદરકારીના કારણે પ્રજાના પરસેવાની કમાણીથી ચૂકવાતા ટેક્ષની રકમ ગેરવલ્લે જશે
જૂનાગઢ, : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વિવિધ કોલેજ ઓફ એગ્રીકલ્ચર બિલ્ડીંગની ટેક્ષની રકમ મહાનગરપાલિકામાં સમયસર ભરવામાં ન આવતા મસમોટા વ્યાજ ચડી ગયા છે. અધિકારીઓ એકબીજા પર ખો આપતા હોવાથી કૃષિ યુનિવર્સિટીને ૩પ લાખથી વધુનું વ્યાજ ભરવાનો વારો આવે તેમ છે. સરકાર યુનિવર્સિટીને કરોડો રૂપીયાની ગ્રાન્ટ આપતી હોવા છતાં સમયસર વેરો ન ભરતા અધિકારીઓની બેદરકારી ગણી તેની સામે કાર્યવાહી કરવી જરૂરી બની ગઈ છે.
કૃષિ યુનિવર્સિટીમાં અનેક કોલેજ ધમધમી રહી છે. આ કોલેજને દર વર્ષે મહાનગરપાલિકામાં વિવિધ પ્રકારના વેરાઓ ભરવાના રહે છે. કોલેજના જવાબદાર સંચાલકોએ વેરા ભરવામાં કોઈપણ કારણોસર બેદરકારી દાખવી હોવાથી એક-એક કોલેજને વ્યાજની રકમ ચડી ગઈ છે. હોસ્ટેલ રેકટર અને સર્વન્ટ ક્વાર્ટર, સેકન્ડ ગર્લ્સ હોસ્ટેલ, બોયઝ હોસ્ટેલ, એક્સટેન્શન ઓફ યુજી/પીજી બોયઝ હોસ્ટેલ, એક્સટેન્શન ફેસેલીટી ઓફ એજ્યુકેશન, સિધ્ધી ગર્લ્સ હોસ્ટેલ, રેક્ટર ક્વાર્ટર (વેટરનરી), રિધ્ધી ગર્લ્સ હોસ્ટેલ બિલ્ડીંગ ફોર પોલી. ઈન એગ્રો પ્રોસેસિંગ, મહાવિદ્યાલય એક્સટેન્શન ગર્લ્સ હોસ્ટેલ સહિતના અનેક બિલ્ડીંગોના વેરા ભરવામાં નથી આવ્યા. કોલેજ ઓફ એગ્રીકલ્ચર હેઠળના આ બિલ્ડીંગોના વેરા સમયસર નહી ભરવાથી રૂ. 734થી માંડીને 2.89 લાખ સુધીનું વ્યાજ ચડી ગયું છે.
કોલેજ ઓફ એગ્રીકલ્ચર, રેક્ટર ક્વાર્ટર, હોસ્ટેલ સહિતના બિલ્ડીંગો મળી સમયસર વેરો નહી ભરવાથી રૂ. 35,05,42 વ્યાજની રકમ ચડત થઈ છે. વ્યાજ સહિત રૂ. 1,14,37,984 રકમ ભરવાની બાકી છે. મહાનગરપાલિકા દ્વારા સામાન્ય લોકો પર વેરાની વસુલાત માટે મિલ્કત સીલ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવે છે, જ્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અલગ-અલગ બિલ્ડીંગના મળી 1 કરોડથી વધુની રકમ બાકી હોવા છતાં માત્ર નોટિસ આપી સંતોષ માની લેવામાં આવે છે.