બેડી વિસ્તારમાં સરકારી તંત્રનું બુલડોઝર ધણધણ્યું : ખુદ કલેક્ટર અને SPએ હાજર રહીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રૂ. 2.36 કરોડની કિંમતની 1688 ચો.મીટર સરકારી જમીન ખુલ્લી કરાવી
જામનગર, : જામનગરના બેડી વિસ્તારમાં ગુંડા તત્વોની શાન ઠેકાણે લાવવા માટે આજે તંત્ર દ્વારા મોટા પાયે ફરીથી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અનેક ગુનાઓમાં સંડોવાયેલા સાયચા બંધુઓના ગેરકાયદેસર રીતે ખડકાયેલા બંગલા જેવા 11 મકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. બેડીમાં ફરી એકવાર સાયચા બંધુઓના મકાનો સહિતના દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જામનગર જિલ્લાના વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તાબડતોબ ડિમોલિશન કરીને આ વિસ્તારના માથાભારે તત્વો ના દબાણને ઉખેડી ફેંકવામાં આવ્યા હતા. આ ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન જામનગરના જિલ્લા કલેકટર કેતન ઠક્કર ખુદ ઉપસ્થિત રહ્યા હતા, ઉપરાંત જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નાયબ પોલીસ અધિક્ષક જે. એન. ઝાલા અને શહેરના દરેક ડિવિઝનના પી.આઇ. સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે હાજર રહ્યો હતો. આ ઉપરાંત કલેક્ટર વિભગનું તંત્ર પણ ખડેપગે આ કાર્યવાહીમાં જોડાયું હતું.
બેડીમાં સાયચા બંધુઓ દ્વારા ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલા રહેણાંકના બાંધકામોને તોડી પાડવાની કાર્યવાહીમાં જે મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે, તેમાં મુખ્યત્વે નુરમામદ હાજી સાઈચાનું 279 ચોરસ મીટરનું રહેણાંક મકાન, જેની અંદાજિત કિંમત 21,37,600 રૂપિયા છે. આ ઉપરાંત નુરમામદ હાજી સાઈચાનું અન્ય એક મકાન 167 ચોરસ મીટરનું રહેણાંક મકાન, જેની કિંમત 12,800 રૂપિયા દર્શાવવામાં આવી છે. આ સાથે જ ઈસ્માઈલ ઈબ્રાહીમ મોવરનું 65 ચોરસ મીટરનું રહેણાંક મકાન જેની કિંમત 8,32,000 રૂપિયા છે. હાજી હુશેન સાઈચાનું 65 ચોરસ મીટરનું રહેણાંક મકાન જેની કિંમત પણ 8,32,000 રૂપિયા છે, તેને ધરાશાયી કરી દેવાયા હતા. જ્યારે ફારૂક હુશેન સાઈચાનું 139 ચોરસ મીટરનું રહેણાંક મકાન જેની કિંમત 17,79,200 રૂપિયા, ઉમર દાઉદ સાઈચાનું 139 ચોરસ મીટરનું રહેણાંક મકાન જેની કિંમત 17,79,200 રૂપિયા તેમજ એઝાઝ ઉંમર સાઈચાનું 139 ચોરસ મીટરનું રહેણાંક મકાન જેની કિંમત 17,79,200 રૂપિયા, બશીર જુસબ સાઈચાનું 139 ચોરસ મીટરનું રહેણાંક મકાન જેની કિંમત 17,79,200 રૂપિયા, બશીર જુસબ સાઈચોનું 139 ચોરસ મીટરનું રહેણાંક મકાન જેની કિંમત 17,79,200 રૂપિયા છે. અકબર મામદ સાઈચાનું 139 ચોરસ મીટરનું રહેણાંક મકાન જેની કિંમત 17,79,200 રૂપિયા છે અને સુલતાન મામદ સાઈચાનું 139 ચોરસ મીટરનું રહેણાંક મકાન જેની કિંમત 17,79,200 રૂપિયા આંકવામાં આવી હતી.
આ તમામ બાંધકામો ગેરકાયદેસર હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન તા. 1 એપ્રિલ અને 2 એપ્રિલ 2025ના રોજ નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ આજે વહેલી સવારથી ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કુલ 1688 ચોરસ મીટર જેટલું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવી રહ્યું છે. જેની કુલ કિંમત 2,36,15,200 રૂપિયા આંકવામાં આવી છે