રેલવે સ્ટેશન B-માંથી D ગ્રેડ કરી દેવાયું : ચેમ્બર ઓફ કોમર્સ સહિતની રજૂઆતને ધ્યાને ન લીધી : આંદોલનનાં મંડાણ થવાની શક્યતા
જૂનાગઢ, : જૂનાગઢ તાલુકાના બીલખામાં આવેલા રેલવે સ્ટેશનને રેલવે તંત્રએ ડાઉનગ્રેડ કરી D ગ્રેડનું કરી નાખ્યું છે. હવે તા. 7 એપ્રિલથી સ્ટેશન માસ્ટર નહિ રહે, ટિકીટ જે તે ટ્રેનના ગાર્ડ પાસેથી લેવાની રહેશે. સ્ટેશનને ડાઉનગ્રેડ કરવાની તજવીજ સામે ચેમ્બર અને ગ્રામ પંચાયત દ્વારા રજુઆત કરવામાં આવી હતી પરંતુ રેલવે તંત્રએ તેને ધ્યાને ન લેતા હવે આંદોલનના મંડાણ થવાની સંભાવના છે.
જૂનાગઢ-દેલવાડા-અમરેલી મીટર ગેજ રૂટ પર આવતા બીલખા રેલવે સ્ટેશન પર પૂરતા ટ્રાફીકના અભાવે રેલવે તંત્રએ તેને ડાઉનગ્રેડ કરવા નિર્ણય કર્યો છે. ભાવનગર રેલવે ડીવીઝન દ્વારા આજે બીલખા સ્ટેશનનો જે B ગ્રેડનો દરજજો હતો તે ડાઉનગ્રેડ કરી D-ગ્રેડ કરી નાખ્યો છે. ભાવનગર મંડળના વરિ વાણિજ્ય પ્રબંધક માશુક અહમદે જણાવ્યું હતું કે આગામી તા. 7 એપ્રિલથી બીલખા સ્ટેશનને ડાઉનગ્રેડ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં સ્ટેશન પર કોઈ સ્ટેશન માસ્ટર નહિ રહે, હાલમાં ચાલતી ટ્રેનના સમય અને સ્ટોપમાં કોઈ ફેરફાર નહિ થાય, મુસાફરોને ટિકીટ જે તે ટ્રેનના ગાર્ડ પાસેથી લેવી પડશે. રેલવે તંત્ર દ્વારા બીલખા સ્ટેશનને ડાઉનગ્રેડ કરવાની તજવીજ ચાલતી હતી ત્યારે બીલખા ગ્રામ પંચાયત અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.