દરવાજાના તાળા તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા
સંબંધીના ઘરે સુરત ગયેલ માતા- પુત્રીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું
ભાવનગર: શહેરના હાદાનગર,રામેશ્વરનગરમાં રહેતા મહિલાના બંધ મકાનમાંથી તસ્કરો સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ મળી કુલ રૂ.૭૯,૫૦૦ની મત્તા ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર શહેરના હાદાનગર,રામેશ્વરનગરમાં આવેલ પ્લોટ નં.૨૨ માં રાજુભાઈ ત્રિવેદીના મકાનમાં ભાડે રહેતા દક્ષાબેન જીવરાજભાઈ પડયા અને તેમના માતા નિર્મળાબેન ગત તા.૨૮ માર્ચના રોજ સુરત ગયા હતા અને તા.૩૧ માર્ચના રોજ સવારે ભાવનગર પરત ફફર્યા હતા. તે દરમિયાન તેમના બંધ મકાનના દરવાજાનું તાળું તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા અને બેડરૂમના દરવાજાનો નકૂચો તોડી રૂમમાં રાખેલ લોખંડની તિજોરી તોડી તિજોરીમાં રાખેલ રૂા.૧૦,૦૦૦ રોકડા,લાવા કંપનીનો મોબાઈલ,સોના-ચાંદીના ઘરેણાં અને એટીએમ કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ સાથેનું પર્સ મળી કુલ રૂ.૭૯,૫૦૦ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.ચોરીની આ ઘટના અંગે દક્ષાબેન પડયાએ આજે અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.