Vadodara Accident : સાવલી તાલુકાના પ્રથમપુરા ગામ પાસે એક બાઈક સ્લીપ થઈ જતા બાઈક ચાલકનું કરુણ મોત નિપજ્યું હતું. પુત્રીના લગ્નના 10 દિવસ પહેલા પિતાનું મોત થતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.
સાવલી તાલુકાના ખાંડી ગામમાં રહેતા જયાબેન પઢીયારે ભાદરવા પોલીસને જણાવ્યું હતું કે મારા પતિ વખતસિંહ ઉંમર વર્ષ 42 ખેતી કામ કરે છે મને સંતાનમાં એક મોટો પુત્ર અને નાની પુત્રી અર્પિતા છે. મારું પિયર ઉમરેઠના ઉટખડી ગામે આવેલું છે. મારી પુત્રીનું લગ્ન તારીખ 22 એપ્રિલના રોજ હોવાથી લગ્નના કામકાજ માટે અમારે અવર-જવર થતી હોય છે.
તારીખ 11 ના રોજ સવારે હું મારા પતિ તેમજ પુત્રી ત્રણે મારા પિયર ઉટખડી ગામે જવા માટે નીકળ્યા હતા. મારા પતિ બાઈક ચલાવતા હતા જ્યારે હું અને મારી પુત્રી બંને બાઈકની પાછળ બેઠા હતા પ્રથમપુરા ગામ પાસે આવતા બાઈક પરનો કાબુ મારા પતિએ ગુમાવતા અમે ત્રણે રોડ ઉપર ફંગોળાયા હતા. મને તેમજ પુત્રીને કોઈ ઈજા થઈ ન હતી પરંતુ પતિને શરીરના આંતરિક ભાગે ગંભીર ઈજા થતાં તેઓ સ્થળ પર જ બેભાન થઈ ગયા હતા. તેમને સારવાર માટે સાવલીની હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબે પતિનું મોત નિપજયું હોવાનું જાહેર કર્યું હતું.