Jamnagar Suicide Case : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં ગઈકાલે કાળજુ કંપાવી નાખે તેવો કરુણાજનક કિસ્સો બન્યો હતો. ભરવાડ પરિવારની એક મહિલાએ પોતાના ચાર માસુમ સંતાનો સાથે કુવામાં ઝંપલાવી સામુહિક રીતે આત્મહત્યા કરી લીધી હતી, જે મામલામાં ધ્રોલ પોલીસે મૃતક મહિલાના ભાઈ તેમજ પતિ વગેરેના નિવેદનો નોંધ્યા છે, તેમજ પાંચેય મૃતદેહોનો કબજો તેના ભાઈને સોંપી આપ્યો છે. આ બનાવની પાછળ આર્થિક સંકળામણ હોવાની પ્રબળ આશંકા વર્તાઈ રહી છે.
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં રહેતી ભાનુબેન જીવાભાઇ ટોરીયા નામની 32 વર્ષની મહિલાએ પોતાના ચાર સંતાનો જેમાં આયુષ (ઉંમર 10), આજુ (ઉંમર વર્ષ 8), આનંદી (ઉંમર વર્ષ 4) તેમજ ઋત્વિક (ઉંમર વર્ષ 3) વગેરેને સાથે લઈને કુવામાં ઝંપલાવી સામુહિક આત્મહત્યા કરી લીધી હતી.
જે ઘટનાના સમગ્ર ધ્રોલ પંથકમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને ધ્રોલ પોલીસે પાંચેય મૃતદેહોનો કબજો સંભાળી આજે સવારે ધ્રોળની સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયા હતા, જ્યારે મૃતદેહો મૃતક મહિલા ભાનુબેનના ભાઈ રાજકોટમાં ગોંડલ રોડ પર રહેતા નારણભાઈ ભલાભાઇ ચાવડીયાને બોલાવીને તેને સોંપી દીધા હતા.
આ સમગ્ર મામલામાં ધ્રોલ પોલીસે ભાનુબેનના ભાઈનું નિવેદન નોંધ્યું હતું, જોકે તેમાં ભાનુબેનને કોઈ પણ પ્રકારનો ત્રાસ વગેરે હોવાની વાત મળી ન હતી, અને ભાનુબેન સંયુક્ત કુટુંબમાં રહેતી હતી.
ભાનુબેનના પતિ જીવાભાઈ ટોરીયા કે જે સુમરા ગામમાં રહીને પશુપાલનનો વ્યવસાય કરે છે, અને 50 થી વધુ ઘેટાંની સારસંભાળ રાખે છે. પોલીસે તેનું પણ નિવેદન નોંધ્યું છે. ભાનુબેનના સાસુ ખૂબ બીમાર રહે છે તેમજ ઘરમાં પણ સંયુક્ત અને મોટો પરિવાર હોવાથી આર્થિક તંગી હોવાના કારણે તેઓએ પોતાના ચાર સંતાનો સાથે આ અંતિમ પગલું ભરી લીધું હોવાની પોલીસ દ્વારા આશંકા સેવાઈ રહી છે.