NDA meeting to be held in Patna : બિહારના પટનામાં આજે શનિવારે (12 એપ્રિલ, 2025) નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ મોટી બેઠક યોજી હતી. જેમાં ગઠબંધનના તમામ મહત્ત્વપૂર્ણ નેતાઓ હાજર રહ્યા હતા. રાજધાની પટનામાં ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, ગ્રામીણ વિકાસ મંત્રી લલ્લન સિંહ, જનતાદળ(JDU)ના કાર્યકારી પ્રમુખ સંજય ઝા સહિત ભાજપ, JDU, લોક જનશક્તિ પાર્ટી (LJP) અને હિન્દુસ્તાની અવમ મોરચા (HAM) પાર્ટીના પ્રદેશ પ્રમુખો અને મિથિલાંચલના સાંસદો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા.
પટનામાં NDAની મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બિહારની પ્રસ્તાવિત મુલાકાતની તૈયારીઓની સમીક્ષા કરવાનો હતો. ભાજપના પ્રદેશ પ્રમુખ ડૉ. દિલીપ જયસ્વાલે જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાનના કાર્યક્રમને સફળ બનાવવાની જવાબદારી તમામ સાંસદો અને ધારાસભ્યોને સોંપવામાં આવી છે.’
બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ કહ્યું હતું કે, ‘નીતિશ કુમાર જ NDAના નેતા છે અને આગળ પણ રહેશે.’ તેમણે તેજસ્વી યાદવને ચર્ચા માટે પડકાર ફેંકતા કહ્યું હતું કે, રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના શાસન દરમિયાન બિહારમાં કોઈ મેડિકલ કોલેજ, શાળાઓ કે કોઈ યુનિવર્સિટી નહોતી. આજે 33 મેડિકલ કોલેજો પર કામ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો: મધ્યપ્રદેશના ગુનામાં હનુમાન જયંતીની શોભાયાત્રા પર પથ્થરમારો, સેના તૈનાત, હાલ સ્થિતિ કાબૂમાં
સમ્રાટ ચૌધરીએ કહ્યું કે, ‘વડાપ્રધાન મોદીનું બિહાર અને ખાસ કરીને મિથિલા ક્ષેત્ર પર ખાસ ધ્યાન છે. બિહારને PSU તરફથી લગભગ 40,000 કરોડ રૂપિયાનું રોકાણ મળવા જઈ રહ્યું છે, જેનાથી રાજ્યમાં નવી નોકરીઓ અને રોજગારની તકોનું સર્જન થશે. નીતિશ કુમારના નેતૃત્વમાં છેલ્લા 5 વર્ષમાં 50 લાખથી વધુ યુવાનોને નોકરીઓ અને રોજગાર મળ્યો છે. હવે NDA 2030 સુધીમાં વિકસિત બિહારના સ્વપ્નને સાકાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.’