![]()
આ વર્ષે અત્યાર સુધીમાં, ૧૮૫ થી વધુ કંપનીઓએ DRHP ફાઇલ કર્યા
અમદાવાદ : ભારતીય કંપનીઓ પ્રારંભિક જાહેર ઓફરિંગ (આઈપીઓ) લાવવા માટે દોડધામ કરી રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં, ૧૮૫થી વધુ કંપનીઓએ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સમક્ષ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યા છે. લગભગ દરેક કાર્યકારી દિવસે આઈપીઓ લાવવા માટે અરજી ફાઇલ કરવામાં આવે છે. જે જોતાં આગામી સમયમાં પ્રાયમરી બજાર ખૂબ જ વ્યસ્ત રહેશે.
પ્રાઈમ ડેટાબેઝ દ્વારા સંકલિત ડેટા અનુસાર, છેલ્લી વખત એક જ વર્ષમાં આટલા બધા DRHP ફાઇલ ૧૯૯૭માં કરવામાં આવ્યા હતા, જે સ્થાનિક આઈપીઓ બજાર માટે પરાકાષ્ઠાનો સમય હતો. આ વર્ષે, ૨૦૨૩ અને ૨૦૨૪ ના પ્રથમ નવ મહિનામાં ફાઇલ કરાયેલ આઈપીઓ અરજીઓ કરતાં વધુ DRHP અરજીઓ ફાઇલ કરવામાં આવી હતી, જે કંપનીઓ વચ્ચે લિસ્ટેડ થવા માટે સ્પર્ધાને પ્રતિબિંબિત કરે છે.
સામાન્ય રીતે, આઈપીઓ ફાઇલિંગથી લિસ્ટિંગ સુધી ૫થી ૧૨ મહિનાનો સમય લાગે છે. આઈપીઓ અરજીઓના પૂરને ધ્યાનમાં લેતા, ૨૦૨૬ ભારતીય આઈપીઓ બજાર માટે એક શ્રેષ્ઠ વર્ષ બનવાની તૈયારીમાં છે. આ વર્ષે બજારની અસ્થિરતા હોવા છતાં, કંપનીઓએ આઈપીઓ દ્વારા રૂ. ૧.૧ લાખ કરોડથી વધુ ભંડોળ એકત્ર કર્યું છે જે ૨૦૨૪માં નિર્ધારિત રૂ. ૧.૬ લાખ કરોડના રેકોર્ડને વટાવી જવાની તૈયારીમાં છે.
દાખલ કરાયેલા ૧૮૫ DRHPsમાંથી આશરે રૂ. ૨.૭૨ લાખ કરોડ ભંડોળ એકત્ર થવાનો લક્ષ્યાંક છે. જ્યારે આ અરજીઓમાં નાની કંપનીઓની સાથે ઘણી મોટી કંપનીઓના ઇશ્યુ પણ પાઇપલાઇનમાં છે. આગામી સપ્તાહમાં ટાટા કેપિટલ અને એલજી ઈલેકટ્રીક જેવી મોટી કંપની આઈપીઓ રજુ કરશે. આ ઉપરાંત, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી, લેન્સકાર્ટ, ફોનપે, ફીઝીક્સવાલા અને પાઈન લેબ પણ લાઈનમાં ઊભા છે.
બજારના સહભાગીઓ આઈપીઓ બજારમાં તેજી માટે અનેક કારણો જણાવે છે. પ્રથમ, મુદ્દો સ્થાનિક બચતનો છે, લોકો દર વર્ષે સ્થાનિક બજારમાં રૂ. ૩ લાખ કરોડથી વધુનું રોકાણ કરી રહ્યા છે. બીજું, બજારની પહોંચ વિવિધ ક્ષેત્રો અને ભૌગોલિક વિસ્તારોમાં વિસ્તરી છે, જેનાથી રિયલ એસ્ટેટ અને આરોગ્યસંભાળ જેવા પરંપરાગત ઉદ્યોગોથી લઈને ટેકનોલોજી કંપનીઓ જેવા ઉભરતા ક્ષેત્રો સુધી લિસ્ટિંગનો અવકાશ વિસ્તર્યો છે.
આઈપીઓના તાજેતરના મજબૂત પ્રદર્શન અને નાના અને મધ્યમ કદના શહેરોમાં કંપનીઓ દ્વારા વ્યૂહરચનામાં પરિવર્તનને કારણે DRHP ફાઇલિંગમાં વધારો થયો છે. અગાઉ, નાના શહેરોમાં પ્રમોટર-સંચાલિત કંપનીઓ લિસ્ટિંગ પર તેમનો હિસ્સો ઘટાડવામાં ખચકાટ અનુભવતી હતી. લિસ્ટિંગ પછી સ્પર્ધકોની નેટવર્થમાં વધારો જોઈને, અન્ય કંપનીઓ પણ આ તરફ આકર્ષાઈ રહી છે. અનુકૂળ બજાર મૂલ્યાંકન પણ કંપનીઓને લિસ્ટિંગ માટે વધુ પ્રોત્સાહિત કરી રહ્યું છે.










