અમેરિકા વિરૃધ્ધ વિશ્વ : અમેરિકી ચીજોની આયાત પર ચીનના પગલાંની પ્રતિકૂળ અસર
મુંબઈ : અમેરિકામાં આયાત પર વિશ્વના અનેક દેશો પર આકરાં ટેરિફ લાગુ કરનાર ડોનાલ્ડ ટ્રમ્પના આકરાં વલણ સામે જેવા સાથે તેવાની નીતિમાં ચાઈનાએ અમેરિકાથી થતી ચીજોની આયાત પર ૩૪ ટકા ટેરિફ ૧૦, એપ્રિલથી લાગુ કરવાનો નિર્ણય લેતાં આજે વૈશ્વિક બજારોમાં મહામંદીના મંડાણ થયા હતા. અમેરિકાના ટેરિફના પરિણામે વિશ્વ મહા વેપાર યુદ્વના ખપ્પરમાં હોમાયું છે. યુરોપના દેશો પણ અમેરિકા સામે આકરાં ટેરિફ પગલાં લેવાની તૈયારીમાં હોવાના અહેવાલો પાછળ આજે વિશ્વભરના શેરબજારોમાં આવેલી ગભરાટભરી વેચવાલીના દબાણે ઝડપી પીછેહઠ જોવા મળી હતી.
અમેરિકાની રેસિપ્રોકલ ટેરિફની વિશ્વ પર માઠી અસરની સાથે અમેરિકાનું અર્થતંત્ર પણ મોંઘવારી અને મંદીમાં સરી પડવાના અંદાજો વચ્ચે આજે ચાઈનાએ અમેરિકાની ચીજોની આયાત પર ૩૪ ટકા ટેરિફ લાદતાં વૈશ્વિક બજારોમાં સતત બીજા દિવસો ધબડકો બોલાયો હતો. અમેરિકી શેર બજારોમાં ગઈકાલે ડાઉ જોન્સ ઈન્ડેક્સ ૧૬૭૯ પોઈન્ટ અને નાસ્દાક ઈન્ડેક્સ ૧૦૫૦ પોઈન્ટ જેટલા તૂટયા બાદ આજે-શુક્રવારે ડાઉ જોન્સમાં વધુ ૧૦૦૦ પોઈન્ટ અને નાસ્દાકમાં ૪૫૦ પોઈન્ટ જેટલો કડાકો બોલાયો હતો. આમ બે દિવસમાં ડાઉ જોન્સમાં ૨૮૦૦ પોઈન્ટ અને નાસ્દાકમાં ૧૭૦૦ પોઈન્ટનો કડાકો બોલાયો છે. યુરોપના દેશોના બજારોમાં પણ ધોવાણ થયું હતું. લંડન શેર બજારનો ફુત્સી સાંજે ૩૩૧ પોઈન્ટનો ઘટાડો, જર્મનીનો ડેક્ષ ૮૪૦ પોઈન્ટનો કડાકો અને ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૨૮૭ પોઈન્ટનો કડાકો બતાવતા હતા.
ટ્રમ્પે ભારત પર ૨૬ ટકા ટેરિફ લાગુ કર્યા સામે ફાર્મા, એનજીૅ સહિતના સેક્ટરોને બાકાત રાખ્યા બાદ આજે ફરી ફાર્મા પર ટૂંક સમયમાં ટેરિફ જાહેર કરાશે એવા કરેલા નિવેદન અને ભારતમાં થતી મેટલની આયાત પર બિનજરૃરી ક્વોલિટી માપદંડોને દૂર કરવા દબાણની નેગેટીવ અસરે આજે ભારતીય શેર બજારોમાં મેટલ-માઈનીંગ, ફાર્મા, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, કેપિટલ ગુડઝ-પાવર, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓટો શેરો પાછળ ધબડકો બોલાઈ ગયો હતો. સેન્સેક્સ ૯૩૦.૬૭ પોઈન્ટ તૂટીને ૭૫૩૬૪.૬૯ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ફરી ૨૩૦૦૦ની સપાટી ગુમાવી અંતે ૩૪૫.૬૫ પોઈન્ટ તૂટીને ૨૨૯૦૪.૪૫ બંધ રહ્યા હતા.
અમેરિકાએ ચાઈના પર આકરાં ટેરિફ લાગુ કરતાં અને વળતાં ચાઈનાએ પણ અમેરિકા પર ટેરિફ લાદતાં વૈશ્વિક મેટલ વેપાર ખોરવાઈ જવાની દહેશત વચ્ચે લંડન મેટલમાં નોન-ફેરસ મેટલના ભાવો તૂટતાં અને ભારતના મેટલ આયાત માટેના ક્વોલિટી માપદંડો આકરાં હોવાનું કહી આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ આયાતની મંજૂરી આપવા ભારત પર દબાણ કરવાની શરૃઆતે આજે મેટલ-માઈનીંગ શેરોમાં મોટો કડાકો બોલાઈ ગયો હતો. ઓટોમોબાઈલ ક્ષેત્રે વાહનોની અમેરિકામાં આયાત પર આકરાં ટેરિફના પરિણામે ઓટો ઉદ્યોગમાં મંદીના એંધાણ વચ્ચે ફંડો ફરી મંદીમાં આવી મોટાપાયે વેચવાલ બન્યા હતા.
૨, એપ્રિલના ટ્રમ્પે ફાર્માસ્યુટિકલ્સની આયાત પર રેસિપ્રોકલ ટેરિફ નહીં લાદીને બાકાત રાખવાના સંકેત આપ્યા બાદ હવે ટૂંક સમયમાં ટેરિફ લાદવાનું જાહેર કરવાના કરેલા નિવેદને આજે હેલ્થકેર-ફાર્મા શેરોમાં કડાકો બોલાઈ ગયો હતો.
ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફ લાદ્યા બાદ હવે ચાઈનાએ વળતા ૩૪ ટકા ટેરિફ લાદતાં વિશ્વ મંદીમાં ધકેલાઈ રહ્યાના અને આગામી દિવસોમાં વિશ્વમાં મોટા સંકટના એંધાણે આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી ઓલ રાઉન્ડ વેચવાલી નીકળતાં વ્યાપક ગાબડાં પડતાં માર્કેટબ્રેડથ અત્યંત નબળી પડી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૭૬ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૦૨૯ અને ઘટનારની સંખ્યા ૨૯૨૩ રહી હતી.
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની આજે ગુરૃવારે શેરોમાં કેશમાં રૃ.૩૪૮૩.૯૮ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃ.૧૩,૯૪૬.૫૮ કરોડની ખરીદી સામે કુલ રૃ.૧૭,૪૩૦.૫૬ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૃ. ૧૭૨૦.૩૨કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. કુલ રૃ.૧૪,૪૫૪.૩૨ કરોડની ખરીદી સામે કુલ રૃ.૧૬,૧૭૪.૬૪ કરોડની વેચવાલી કરી હતી. શેરોમાં સાર્વત્રિક ધબડકો બોલાઈ જતાં આજે રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૃ.૯.૯૯ લાખ કરોડ ધોવાઈને રૃ.૪૦૩.૩૪ લાખ કરોડ રહી ગયું હતું.
વિશ્વના બજારોની સાંજે ૭-૩૦ વાગ્યાની સ્થિતિ
દેશ |
ઈન્ડેક્સ |
કડાકો |
યુ.કે. |
ફુત્સી૧૦૦ |
-૩૧૦ |
જર્મની |
ડેક્ષ |
-૮૪૫ |
ફ્રાંસ |
કેક૪૦ |
-૨૬૮ |
જાપાન |
નિક્કી૨૨૫ |
-૯૫૫ |
હોંગકોંગ |
હેંગસેંગ |
-૩૫૩ |
ચાઈના |
સીએસઆઈ |
-૨૩ |
દક્ષિણ કોરિયા |
કોસ્પી |
-૨૧ |
ઓસ્ટ્રેલિયા |
ASX ૨૦૦ |
-૧૯૨ |
પાકિસ્તાન |
કરાચી ૩૦ |
-૩૫ |