– વિદેશી રોકાણકારોની એકધારી વેચવાલી
– ટ્રમ્પના ટેરિફ બોમ્બથી શેરબજાર ધણધણ્યું
– સેન્સેક્સ 931 પોઇન્ટ તૂટીને 75,365 અને નિફ્ટી 345 પોઇન્ટ ગબડીને 22,904ની સપાટીએ
– ટૂંક સમયમાં ફાર્મા ક્ષેત્રે ટેરિફ લાદવાની ટ્રમ્પની જાહેરાતની પણ બજાર પર અસર
અમદાવાદ : અમેરિકન પ્રમુખ ટ્રમ્પ દ્વારા અનેક દેશો ઉપર ટેરિફ લાદવામાં આવ્યા બાદ ચીન દ્વારા વળતા પ્રહારમાં ૩૪ ટકા જેટલા ટેરિફ લાદવાનો નિર્ણય લેવા સહિતના અહેવાલો પાછળ આજે મુંબઈ શેરબજાર ખાતે વિદેશી રોકાણકારો પાછળ ચોમેરથી હાથ ધરાયેલ ભારે વેચવાલીના દબાણે સેન્સેક્સમાં ૯૩૧ પોઇન્ટનો અને નિફ્ટીમાં ૩૪૫ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. સેન્સેક્સના કડાકા પાછળ આજે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧૦ લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું હતું.
ટ્રમ્પ દ્વારા ટેરિફના અમલ બાદ ગઈ રાત્રે અમેરિકી શેરબજારમાં ગાબડા પડયા બાદ આજે ચીન દ્વારા અમેરિકાથી થતી આયાત ઉપર ૩૪ ટકા ટેરિફ તા. ૧૦ એપ્રિલથી લાગુ કરવાનો નિર્ણય લેતા બજારનું મોરલ ખરડાયું હતું. આ ઉપરાંત ટ્રમ્પ દ્વારા ટૂંક સમયમાં ફાર્માસ્યુટિકલ્સ પર ટેરિફ લાદવાના નિવેદનની પણ બજાર પર અસર થવા પામી હતી.
આ અહેવાલો પાછળ આજે વિદેશી રોકાણકારોની સાથે ઓપરેટરો, ખેલાડીઓ તેમજ ફંડો દ્વારા મોટા પાયે વેચવાલી હાથ ધરાતા મેટલ, ફાર્મા., આઇ.ટી. સહિતના અન્ય શેરોમાં ધબડકો બોલી ગયો હતો જેના પગલે કામકાજના અંતે સેન્સેક્સ ૩૩૦.૬૭ પોઇન્ટ તૂટીને ૭૫,૩૬૪.૬૯ અને નિફ્ટી ૨૩૦૦૦ની સપાટી ગુમાવી અંતે ૩૪૫.૬૫ પોઇન્ટ તૂટીને ૨૨,૯૦૪.૪૫ની સપાટીએ નરમ રહ્યો હતો.
વેચવાલીના દબાણે આજે રોકાણકારોની સંપત્તિમાં (બીએસઇ માર્કેટ કેપ) રૂ. ૯.૯૯ લાખ કરોડનું ધોવાણ થતાં અંતે રૂ. ૪૦૩.૩૪ લાખ કરોડ રહ્યું હતું. આજે સ્મોલ મિડકેપ શેરોમાં મોટા પાયે વેચવાલીનું દબાણ આવતા ઝડપી ગાબડા નોધાયા હતા.
નાસ્ડાક 827 પોઇન્ટ ઘટીને 15726.76 થયો
ટ્રમ્પના લીધે અમેરિકન બજારમાં સુનામી : ડાઉ 1855 પોઇન્ટ ડાઉન
– ટ્રમ્પ રેસિપ્રોકલ ટેરિફથી વર્ષે 600 અબજ ડોલર કમાવવાના હતા તેનાથી વધુ રકમ બે દિવસમાં સાફ
વોશિંગ્ટન : ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફના પગલાંએ અને તેને આપવામાં આવેલા વળતા જવાબે વૈશ્વિક બજારની સાથે અમેરિકન શેરબજારમાં પણ સુનામી આણી છે. ગઇકાલના ૧,૪૦૦ પોઇન્ટ ડાઉન થયા પછી આજે એટલે કે સપ્તાહના અંતિમ દિવસ શુક્રવારે ડાઉ સળંગ બીજા દિવસે ખાબક્યો હતો અને ૧,૮૫૫ પોઇન્ટ એટલે કે સાડા ચાર પોઇન્ટથી પણ વધારે ડાઉન થયો હતો.
આ સિવાય નાસ્ડેક ૮૨૭ પોઇન્ટ એટલે કે પાંચ ટકા જેટલો ઘટીને ૧૫,૭૨૬.૭૬ જેટલો ડાઉન હતો. સોનું પણ ૨.૬૫ ટકા એટલે કે ૮૩ ડોલર ઘટીને ૩૦૨૯ ડોલર થઈ ગયું હતું. જ્યારે ક્રૂડ ઓઇલ ૮ ટકા જેટલું ઘટીને ૬૧.૬૫ ડોલર થઈ ગયું હતું. આ સિવાય એસજીએસ નિફ્ટી પણ ૪૦૦ પોઇન્ટ ડાઉન હતો.
અમેરિકાએ લાદેલા ૩૪ ટકા રેસિપ્રોકલ ટેરિફના જવાબમાં ચીનના વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે તે પણ અમેરિકાની બધી પ્રોડક્ટ્સ પર ૩૪ ટકા ટેરિફ લાદશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ચીન અમારા પગલાંથી ગભરાઈ ગયું છે અને તેના કારણે તેણે આ નિર્ણય લીધો છે. આમ કેનેડાએ ૨૫ ટકા એને ચીને ૩૪ ટકા રેસિપ્રોકલ ટેક્સ અમેરિકા પર લાદતા ટ્રેડ વોર શરૂ થઈ ગઈ હોવાનું મનાય છે.
શુક્રવારે ટેકનોલોજી શેરોનો જાણે બધો કસ નીકળી ગયો હોય તેવી સ્થિતિ હતી. આઇફોન ઉત્પાદક એપલનો શેર પાંચ ટકાથી વધુ ઘટયો હતો. તેણે સપ્તાહમાં દસ ટકાથી વધુનો ઘટાડો નોંધાવ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના મોરચે અગ્રણી કંપની એનવિડિયાના શેર સાત ટકા ઘટયા હતા. ટેસ્લા દસ ટકા ઘટયો હતો. આ ત્રણેય કંપનીઓ ચીનમાં જબરદસ્ત હિસ્સેદારી ધરાવે છે. તેથી બૈજિંગે લાદેલી વળતી ડયુટીના લીધે આ ત્રણેય કંપનીઓ પર જબરદસ્ત અસર પડશે. ટેકનોલોજી કંપનીઓ ઉપરાંત ચીનમાં સૌથી મોટા નિકાસકાર બોઇંગ અને કેટરપિલરને પણ ફટકો પડવાની સંભાવનાએ ડાઉ વધુ નીચે ગયો હતો.
આમ ટ્રમ્પ રેસિપ્રોકલ ટેરિફ નાખીને અમેરિકન ઇકોનોમીને વર્ષે જે ૬૦૦ અબજ ડોલર કમાઈ આપવાના હતા તેનાથી પણ વધારે મૂલ્યનું ધોવાણ ફક્ત બે દિવસમાં જ અમેરિકન શેરબજારમાં થઈ ગયું છે. બે દિવસમાં ડાઉ જોન્સ ત્રણ હજારથી પણ વધુ પોઇન્ટ નીચે આવ્યો છે.