Road Accident on Panthwada-Gundari highway : બનાસકાંઠાના પાંથાવાડા-ગુંદરી હાઇવે પર ડમ્પર અને બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. ડમ્પરચાલકે બાઇકને ટક્કર મારતાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક પાછળ બેઠેલી પુત્રીનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માત સર્જાતા આસપાસમાંથી દોડી આવ્યા હતા અને ટોળું એકઠું થઇ ગયું હતું. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર પાંથાવાડાના ગુંદરીના રહેવાસી રણછોડભાઇ ઠાકોર પોતાની પુત્રીને લઇને દવાખાને સારવાર કરાવી ઘરે જઇ રહ્યા હતા. તે દરમિયાન પાંથાવાડા-ગુંદરી હાઇવે પર ડમ્પર ચાલકે તેમની બાઇકને ટક્કર મારી હતી. ડમ્પરની ટક્કર વાગતાં રણછોડભાઇ ઠાકોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેમની પુત્રીનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરી છે.
અકસ્માતના પગલે સ્થાનિક રહીશોમાં રોષની ભભૂકી રહ્યો છે. સ્થાનિકો કહેવું છે કે હાઇવે પર ડમ્પર ચાલકોનો ત્રાસ વધી ગયો છે. બેફામ ગતિએ દોડાવતા ડમ્પર ચાલકો અવાર-નવાર અકસ્માત સર્જી નિર્દોષ લોકોનો ભોગ લે છે. તો તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરી ડમ્પર ચાલકો પર લગાવ કસવામાં આવે. જેથી ભવિષ્યમાં આ પ્રકારના અકસ્માતોને ટાળી શકાય.