![]()
2 વર્ષે પગાર વધારવાના પરિપત્રનો અમલ ન થયો : વતનથી દૂર ફરજ બજાવતા જ્ઞાન સહાયકોની મોંઘવારીમાં કફોડી હાલત
જૂનાગઢ, : રાજ્યની શાળાઓમાં જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવતા શિક્ષકોને માત્ર દસ માસનો પગાર ચુકવવામાં આવે છે. કાયમી શિક્ષક જેટલી કામગીરી કરતા જ્ઞાાન સહાયકોને અન્યાય થઈ રહ્યો છે. બે વર્ષે પગાર વધારવા અંગે પરિપત્ર કરવામાં આવ્યો હતો પરંતુ તેનો અમલ ન થતા વતનથી દૂર ફરજ બજાવતા જ્ઞાાન સહાયકોની કફોડી હાલત થઈ છે.
ગુજરાતની શાળાઓમાં કાયમી અને નિયમિત ભરતી ન કરી સરકારે જ્ઞાન શાયકોની ભરતી કરી વચગાળાનો રસ્તો કર્યો છે. જ્ઞાાન સહાયક શિક્ષણ વ્યવસ્થામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. કાયમી અને નિયમિત શિક્ષક જેટલી કામગીરી કરતા જ્ઞાાન સહાયકોને દસ માસનો જ પગાર આપવામાં આવે છે. પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે જ્ઞાાન સહાયકો શિક્ષણ સાથે જોડાયેલા રહે છે છતાં વેકેશનના બે માસનો પગાર આપવામાં આવતો નથી. બે વર્ષનો સમય પૂર્ણ થાય ત્યારે જ્ઞાાન સહાયકોનો પગાર વધારવા પરિપત્ર કરવામાં આવ્યો હતો પરંતુ તેનો અમલ થયો નથી. વધતી મોંઘવારીમાં વતનથી દૂર ફરજ બજાવતા અનેક જ્ઞાાન સહાયકોને ઉછીના પૈસા લેવા માટે મજબુર બનવું પડે છે. સમાન કામ સમાન વેતનનો બંધારણીય સિધ્ધાંત મુજબ જ્ઞાાન સહાયકો સન્માન સાથે ગુજરાન ચલાવી શકે એ માટે પગાર વધારો કરવામાં આવે એવી માંગ સાથે અખિલ ભારતીય શૈક્ષીક મહાસંઘ દ્વારા શિક્ષણમંત્રીને રજુઆત કરવામાં આવી છે.










