આગામી છ દિવસ લૂ ના વાયરાની હવામાન વિભાગની આગાહી : હીટવેવ સ્ટ્રોકના કેસ નોંધાયા નથી
ભુજ: કચ્છમાં સૂર્ય દેવતા આકરો મિજાજ દેખાડી રહ્યા છે. કચ્છમાં આગામી પાંચ દિવસ સુધી હીટવેવનું ઓરેન્જ અને યલો એલર્ટ જારી કરાયું છે. મોસમ વિભાગ અનુસાર, તા.૪થી ૧૦ સુધીમાં કચ્છમાં હીટવેવની ૬૮ ટકાથી ૧૦૦ ટકા એટલે કે સૌથી વધારે શક્યતા છે જયારે બાકીના જિલ્લાઓમાં હીટવેવ આવે તેવી મધ્યમ શક્યતા છે. સામાન્ય રીતે એપ્રિલના ત્રીજા સપ્તાહથી ધોમધખતો તાપ શરૂ થતો હોય છે પરંતુ, આ વખતે આભમાંથી અગનવર્ષા વહેલી થઈ રહી છે અને માર્ચમાં અસામાન્ય ઉંચા તાપમાન સાથે હીટવેવ બાદ હવે એપ્રિલની શરૂઆતમાં ઉષ્ણલહરનો દોર શરૂ થયો છે. દેશમાં ગરમીની ચરમસીમાના મહિના મે પહેલા એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ કચ્છમાં સૂર્યનો પ્રખર તાપ ૪૪.૫ ડિગ્રી સુધી પહોંચી જતાં ગુજરાતમાં સર્વાધિક ગરમ મથક તરીકે નોંધાયું છે.
આજનું ભુજનું મહત્તમ તાપમાન ૪૪.૫ ડિગ્રીએ પહોંચી ગયું તેમ ગત રાતે ૨૪.૪ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું હતું આથી રાત્રી પણ ગરમ રહી હતી.
દિવસે પવનની ગતિ દક્ષિણથી પશ્ચિમ દિશા તરફ વહેતી રહી હતી. પશ્ચિમે સાગર હોવાથી ત્યાંથી તાપમાન જમીની વિસ્તાર કરતાં થોડું ઓછુ ગરમ રહેતું હોવાથી પશ્ચિમી પવન વાય તો લૂમાં રાહત રહે પણ આજે પવનની દિશા દરિયા તરફ જતી હતી. તે સાથે સાથે પવનની ગતિ પણ ચાર કિ.મી. જેટલી ધીમી હોવાથી ધખતા કિરણોથી રાહતનો અનુભવ થયો નહોતો. જોકે લૂ ના વાયરા પણ વાયા નહોતા.
કચ્છની ત્રણે જમીની દિશામાં પણ ગરમીનું જોર રહ્યું હતું. ઉત્તરે ડીસામાં ૪૨.૧ ડિગ્રી પૂર્વે અમદાવાદમાં ૪૧.૩ ડિગ્રી તો દક્ષિણે કચ્છ પછી બીજા ક્રમે સુરેન્દ્રનગર ૪૩.૨ તેમજ રાજકોટમાં ૪૨.૯ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે.
કચ્છની જિલ્લા હોસ્પિટલ અને જિલ્લા આરોગ્ય વિભાગને લૂ ના કેસો સંબંધી પૂછતાં કોઈ નોંધ હજુ થઈ નથી. ૧૦૮ પાસે પણ કોઈ નોંધ ન હોવાનું જણાવ્યું હતું.
છ દિવસ હીટવેવની આગાહી
કચ્છમાં આગામી છ દિવસ સુધી હજુ હીટવેવ રહેશે તેવું હવામાન વિભાગની આગાહીમાં જણાવાયું છે. આમ લૂ અને ઉકળાટથી આગામી સપ્તાહમાં રાહત મળવાની કોઈ સંભાવના દેખાતી નથી.
એક દિવસમાં દોઢ ડિગ્રીનો જમ્પ
ભુજમાં ગઈકાલે ૪૨.૮ ડિગ્રી રહેલા તાપમાને આજે એક દિવસમાં દોઢ ડિગ્રીનો જમ્પ મારી ૪૪.૪ ડિગ્રી થઈ જતાં ઉનાળો ધોમધખતો બની રહેવાના સંકેત સૂચવે છે. સરકાર તરફથી લૂથી બચવાના ઉપાયો લોકોને સૂચવાઈ રહ્યા છે. માનવીની જેમ પશુઓ પણ છાંયડો શોધી બેસી જાય છે.
કચ્છનું હવામાન |
|
ભુજ |
૪૪.૫ ડિગ્રી |
કંડલા એરપોર્ટ |
૪૨.૦ ડિગ્રી |
નલિયા |
૪૦.૪ ડિગ્રી |
કંડલા પોર્ટ |
૩૮.૨ ડિગ્રી |