વેકરીયા રણ પાસે નેનો કાર સાથે સામેથી આવતી ટ્રક ભટકાતાં સર્જાઇ દુર્ઘટના
ભુજથી કારમાં એગ્રોસેલ કંપનીમાં યોગ શિબીરની તૈયારી માટે જતાં હતા ત્યારે કાળ ભેટયો
ભુજ: ભુજ ખાવડા રોડ પર વેકરીયા રણ પાસે શુક્રવારે બપોરે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ભુજથી નેનો કાર ચલાવીને એગ્રોસેલ કંપનીમાં યોગ શિબિરની તૈયારી માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પૂર્વ જિલ્લા કોડનેટર અને હાલ ભુજના કોચ તેમજ આરએસએસના કાર્યકરની કારને સામેથી આવતી ટ્રકે અડફેટે લેતાં તેમનું સ્થળ પર જ કંમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં યોગ સાથે જોડાયેલા અને તેમના મિત્રવર્તુળ સહિતના લોકોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
ખાવડા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ અકસ્માતનો બનાવ બપોરે અઢી વાગ્યાના અરસામાં બન્યો હતો. ભુજના ભાનુશાલીનગરમાં રહેતા હિતેશભાઇ પ્રવિણચંદ કપુર (ઉ.વ.૫૧) પોતાની કબજાની નેનો કાર ચલાવીને એકલા આગામી ૨૧ જુનની તૈયારી સબબ ખાવડા ખાતેની એગ્રોસેલ કંપનીમાં યોગ શિબિરની તૈયારી માટે જઇ રહ્યા હતા. દરમિયાન વેકરીયા રણ પાસે સામેથી આવતી ટ્રકના ચાલકે તેમની નેનો કારને અડફેટે લેતાં કાર પલ્ટી મારી ગઇ હતી. અકસ્માતમાં એટલો ભયંકર હતો. કે, કારના ડ્રાઇવર સાઇડનો આગળના ભાગનો ખુડદો બોલી ગયો હતો. જેમાં હિતેશભાઇ કારમાં જ ફસાઇ જવાથી તેમનું મોત થયું હતું. આસપાસના લોકો દ્વારા કારમાંથી હિતેશભાઇના મૃતદેહને બહાર કાઢીને ખાવડા સરકારી હોસ્પિટલમાં લઇ ગયા હતાઉ જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત સર્જીને ગાડી મુકી નાસી જનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધવા ખાવડા પોલીસે તજવીજ હાથ ધરી છે. તો, સુત્રોમાંથી મળતી વિગતો મુજબ હિતેશભાઇના પત્નીનું અગાઉ મૃત્યુ થયું છે. તેમને સંતાન નથી તેઓ ભુજમાં એકલા રહેતા હતા. અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કચ્છ જિલ્લાના પૂર્વ કોડનેટર રહી ચુક્યા છે. તેમજ હાલ ભુજમાં યોગ કોચ તરીકે ક્લાસીસ ચલાવતા હોવાનું અને આરએસએસના કાર્યકર હોવાનું જાણવા મળ્યું છે.