– કૌટુંબિક બહેનને ભગાડી જવાની અદાવતમાં
– ધારિયું, લાકડી અને પાઈપ વડે હુમલો કરતા યુવકને ગંભીર ઈજાઃ સાત સામે ફરિયાદ
સુરેન્દ્રનગર : પાટડીના વચ્છરાજપુર ગામે મહિલા સાથે અગાઉ મનમેળ હોવાનું મનદુઃખ રાખી સાત શખ્સોએ એક વ્યક્તિને ધારીયું, લાકડી, પાઈપ વડે તેમજ ઢીકા-પાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી હતી. જે અંગે ભોગ બનનાર શખ્સે સાત શખ્સો સામે ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
પાટડીના ફતેપુર ગામે રહેતા કનુભાઈ ઉર્ફે વિપુલભાઈ ભોપાભાઈ ધામેચાને બે વર્ષ પહેલા ગામમાં રહેતી મહિલા સાથે મનમેળ હોવાથી બંને ભાગી ગયા હતા. સમાજના આગેવાનો દ્વારા સમજાવતા બંને પરત આવી ગયા હતા. મહિલા પોતાના ઘરે જતા રહ્યાં હતાં અને કનુભાઈ ફતેપુરથી અમરેલી જિલ્લામાં રહેવા આવી ગયા હતા.દરમ્યાન કનુભાઈના માતા બિમાર હોય માનતા રાખી હતી. જે પુરી કરવા કનુભાઈ વછરાજપુરા ગામે દર્શનાર્થે આવ્યા હતા.
ત્યારે સાત જેટલા શખ્સોએ કૌટુંમ્બીક બહેનને ભગાડી જવાના મનદુઃખ રાખી એકસંપ થઈ કનુભાઈને માથામાં ધારીયું તેમજ લાકડી અને પાઈપના ઘા ઝીંકી ઈજાઓ પહોંચાડી હતી અને ઢીકા-પાટુનો માર માર્યો હતો. આ મામલે કનુભાઈએ ભગવાનભાઈ ઉર્ફે ગફો મનુભાઈ ડોસાણી, હિતેશભાઈ રમણીકભાઈ ડોસાણી, અંકિતભાઈ ભુપતભાઈ ઠાકોર, મુકેશભાઈ મનુભાઈ ડોસાણી, કિશનભાઈ પાચાભાઈ ડોસાણી, મનસુખભાઈ પાચાભાઈ ડોસાણી અને વિક્રમભાઈ સવાભાઈ ડોસાણી (તમામ રહે.ફતેપુર) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.