મુંબઈ : અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વોરને પરિણામે ભારતમાં વિદેશી કંપનીઓના ઉત્પાદન એકમો આવવાની તથા ભારતમાંથી નિકાસ વધવાની શકયતા હાલ પૂરતુ ઘટી ગઈ છે. અમેરિકા તથા ચીને એકબીજાના માલસામાન પર ટેરિફમાં ઘટાડો કરવાના લીધેલા નિર્ણયને કારણે ચીનમાંથી ફરી નિકાસ વધવાની શકયતા વધી ગઈ છે.
ચીનમાં કાર્યરત વિદેશી કંપનીઓ જેઓ ચીનમાંથી પોતાના એકમો બંધ કરી ભારત, મેક્સિકો કે વિયેતનામ તરફ નજર દોડાવવા લાગી હતી તે હાલ પૂરતુ અટકી જશે અને ચીનમાં જ રહેવાનું પસંદ કરશે તેમ જણાય રહ્યું છે.
ટેરિફ વચ્ચેનું અંતર ઘટી ગયું છે ત્યારે, ચીનમાંથી જે કંપનીઓ અન્યત્ર જવાની તૈયારી કરી રહી હતી તે હાલ પૂરતું અટકી જશે એમ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવના સુત્રોએ જણાવ્યું હતું.
ટેરિફ વોરને કારણે ચીન ઉપરાંત અન્ય દેશની જે શકયતા ઊભી થઈ હતી તે હવે ધીમી પડી ગઈ છે અને ચીન ખાતેથી આયાત કરવાનું અને ચીનમાં ઉત્પાદન મથકો ચાલુ રાખવાનું વૈશ્વિક કંપનીઓ મુનાસિબ ગણશે.
આ અગાઉ અમેરિકાએ ચીનને બાદ કરતા અન્ય દેશો સાથેની ટેરિફ વોરને ૯૦ દિવસ માટે સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો જેને પરિણામે અમેરિકામાં નિકાસ વધારવા ભારતને આશા જાગી હતી. પરંતુ હવે ચીન સાથે ટેરિફ વોર સ્થગિત કરી દેવાતા ભારતની આશા ઠંડી પડી ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ૨૦૧૭થી ૨૦૨૧ દરમિયાન અમેરિકાના પ્રમુખ રહ્યા હતા ત્યારે, અમેરિકા સાથેના વેપારમાં ભારત છઠ્ઠું મોટું લાભકર્તા બની રહ્યું હતું.