ED 193 Cases Against Political Leaders : એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ED)એ છેલ્લા 10 વર્ષમાં કેટલા રાજકીય નેતાઓ વિરુદ્ધ કેસ નોંધ્યા છે, તે અંગે રાજ્યસભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યા બાદ કેન્દ્ર સરકારે ડેટા રજૂ કર્યો છે. કેન્દ્ર સરકાર તરફથી નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જવાબમાં કહ્યું છે કે, EDએ છેલ્લા 10 વર્ષમાં વર્તમાન અને પૂર્વ સાંસદો, ધારાસભ્યો, વિધાન પરિષદના સભ્યો અને રાજકીય નેતાઓ વિરુદ્ધ કુલ 193 કેસ નોંધ્યા છે, જેમાંથી માત્ર બે કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે.
રાજ્યસભા સાંસદ જાણવા માગતા હતા કે, ઈડીએ છેલ્લા 10 વર્ષમાં કેટલા સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક વહીવટીતંત્રના સભ્યો વિરુદ્ધ કેસ નોંધ્યા છે. જેના જવાબમાં પંકજ ચૌધરીએ કહ્યું કે, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક વહીવટકર્તાઓ તેમજ તેમના પક્ષ સામે નોંધાયેલા ED કેસનો રાજ્યવાર ડેટા જાળવવામાં આવતો નથી. બીજી તરફ ઈડીએ દર વર્ષે આવા કેટલા કેસ નોંધ્યા તે અંગેનો એક ડેટા રાજ્યસભામાં રજૂ કરાયો છે.
સૌથી વધુ 2022-2023માં 32 કેસ નોંધાયા
ડેટા મુજબ, ઈડીએ વર્ષ 2019-2024 દરમિયાન સૌથી વધુ કેસ નોંધ્યા છે. સૌથી વધુ 2022-2023માં 32 કેસ દાખલ કરવામાં આવ્યા છે. મંત્રીએ કહ્યું કે, આમાંથી બે કેસ 2016-2017 અને 2019-2020માં સજા ફટકારવામાં આવી છે.
આ પણ વાંચો : રાજ્યની મહત્ત્વની ચાર હૉસ્પિટલમાં 5,056 જગ્યા ખાલી, ભરતી અંગેનો સરકારનો જવાબ હાસ્યાસ્પદ
EDએ કયા વર્ષે કેટલાક રાજકીય નેતાઓ વિરુદ્ધ કેસ નોંધ્યા
- 1-4-2015 – 31-3-2016 – 10 કેસ
- 1-4-2016 – 31-3-2017 – 14 કેસ
- 1-4-2017 – 31-3-2018 – 07 કેસ
- 1-4-2018 – 31-3-2019 – 11 કેસ
- 1-4-2019 – 31-3-2020 – 26 કેસ
- 1-4-2020 – 31-3-2021 – 27 કેસ
- 1-4-2021 – 31-3-2022 – 26 કેસ
- 1-4-2022 – 31-3-2023 – 32 કેસ
- 1-4-2023 – 31-3-2024 – 27 કેસ
- 1-4-2024 – 28-2-2025 – 13 કેસ
2019-2024 વચ્ચે દોષિત ઠેરાવવાનો દર 6.42%
ડિસેમ્બર 2024માં કેન્દ્ર સરકારે સંસદને જાણ કરી હતી કે, પહેલી જાન્યુઆરી-2019 અને 31 ઑક્ટોબર-2024 વચ્ચે મની લોન્ડરિંગના ગુના માટે ED દ્વારા નોંધાયેલા કેસોમાં 911 પ્રોસિક્યુશન ફરિયાદો દાખલ કરવામાં આવી હતી, તેમાંથી 654 કેસોમાં સુનાવણી પૂર્ણ કરવામાં આવી હતી અને માત્ર 42 કેસોમાં દોષિત ઠરાવવામાં આવ્યા છે, એટલે કે દોષિત ઠેરાવવાનો દર 6.42% હતો.
આ પણ વાંચો : ઈટાલીના વડાપ્રધાને ટ્રમ્પના કર્યા ભરપૂર વખાણ, કહ્યું- ‘તેમની સાથે લડવાથી કોઈ ફાયદો નથી’