USA-China Trade War: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફના લીધે દેશની કમાણીમાં વધારો થવાનો અંદાજ આપ્યો છે, તો બીજી બાજુ તેના લીધે વૈશ્વિક સ્તરે વેપાર તણાવ વધી રહ્યો છે. ખાસ કરીને અમેરિકા-ચીન વેપાર તણાવ અન્ય દેશો માટે માથાનો દુઃખાવો બન્યો છે. અમેરિકા દ્વારા લાદવામાં આવતાં ટેરિફનો ચીન ઉગ્ર જવાબ આપી રહ્યું છે. તેણે દુર્લભ ખનીજ તત્ત્વો, સોયાબીન સહિત અન્ય પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ લાદ્યો છે. ચીનના આ પગલાંને અમેરિકાએ આર્થિક હુમલો ગણાવ્યો છે.

ટ્રમ્પે ચીનને આપી ચેતવણી
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ મારફત ચીન પર આકરા પ્રહારો કર્યા છે, અને ચેતવણી આપતાં કહ્યું કે, મારૂ માનવું છે કે, ચીન જાણીજોઈને અમારૂ સોયાબીન ખરીદવા માગતું નથી. તે અમારા સોયાબીનના ખેડૂતો માટે મુશ્કેલી ઉભી કરી રહ્યું છે. તેનું આ પગલું અમેરિકા પર આર્થિક હુમલા સમાન છે. આ પગલાં વિરૂદ્ધ કાર્યવાહી કરતાં અમે ચીનની સાથે જોડાયેલો કુકિંગ ઓઈલ અને અન્ય વ્યાપારિક ગતિવિધિઓને ખતમ કરવા વિચારી રહ્યા છીએ. અમે કુકિંગ ઓઈલનું ઉત્પાદન સરળતાથી કરી શકવા સક્ષમ છીએ, અમારે ચીન પાસેથી ખરીદવાની જરૂર નથી.
અમેરિકાના સોયાબીનનો સૌથી મોટો ખરીદદાર ચીન
અમેરિકાના સોયાબીનની સૌથી વધુ નિકાસ ચીનમાં થાય છે. ચીન અમેરિકા પાસેથી તેની કુલ સોયાબીન નિકાસના 1/4 ખરીદી કરે છે. ગતમહિને અમેરિકાએ ચીનની આયાત પર ટેરિફ લગાવતાં ચીને સોયાબીનની ખરીદી બંધ કરી દીધી હતી. જેનાથી અમેરિકાના ખેડૂતો સામે મોટું સંકટ આવ્યું હતું. અમેરિકન સોયાબીન એસોસિએશન બિઝનેસ ગ્રૂપના ચીફ કેલેબ રેગલેન્ડે તો ચીનના આ પગલાંને ઉદ્યોગ માટે એક મોટી ચેતવણી જાહેર કરી હતી.
ચીને સોયાબીનની ખરીદી બંધ કરતાં અમેરિકાને મોટુ નુકસાન થઈ રહ્યું છે. ગતવર્ષે અમેરિકાએ 24.5 અબજ ડોલરના સોયાબીનની નિકાસ કરી હતી. જેમાં ચીને 12.5 અબજ ડોલરની ખરીદી કરી હતી. આ વર્ષે ચીનની ખરીદીનો આંકડો શૂન્ય છે.
યુએસ-ચીન ટ્રેડવૉર શરૂ
ગયા અઠવાડિયે, ડોનાલ્ડ ટ્રમ્પે ચીન દ્વારા દુર્લભ ખનિજો પર કડક પ્રતિબંધોના જવાબમાં ચીનની આયાત પર 100% ટેરિફની જાહેરાત કરી હતી. આ ટેરિફ 1 નવેમ્બર, 2025 થી લાગુ કરવામાં આવશે. જેનો ચીને આક્રમક જવાબ આપવાનો મૂડ દર્શાવ્યો છે. ફરી એકવાર ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવૉર શરૂ થયુ છે. ચીને સોયાબીનની ખરીદી બંધ કરતાં પ્રમુખ ટ્રમ્પે ચીમકી આપી છે કે, બેઇજિંગ દ્વારા અમેરિકન સોયાબીન ખરીદવાનો ઇનકાર કરવાના બદલામાં અમારૂ વહીવટીતંત્ર ચીન સાથે રસોઈ તેલ સંબંધિત વેપાર સમાપ્ત કરવાનું વિચારી રહ્યું છે. આ અહેવાલો દર્શાવે છે કે ચીનની રસોઈ તેલની નિકાસ 2024 માં રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી હતી, જેમાં અમેરિકા કુલ નિકાસના 43% હિસ્સો ધરાવે છે.
ચીને અમેરિકાનો વિકલ્પ શોધી કાઢ્યો
અમેરિકન પ્રોડક્ટ્સ પર જવાબી ટેરિફને કારણે ચીનના આયાતકારો માટે સોયાબીન વધુ મોંઘા થયા છે. તેથી, ચીને દક્ષિણ અમેરિકન ઉત્પાદકો પાસેથી સોયાબીન ખરીદવાનું શરૂ કર્યું છે. જેમાં બ્રાઝિલ અને આર્જેન્ટિના જેવા દેશોનો સમાવેશ થાય છે. તેના પગલાં દ્વારા, ચીન વૈશ્વિક સોયાબીનના ભાવને પ્રભાવિત કરવાની સ્થિતિમાં છે. ટ્રમ્પના ચીન પર કડક વલણ બાદ, હવે બંને દેશો વચ્ચે વેપાર વાટાઘાટોની સ્થિતિ અંગે પ્રશ્નો ઉભા થયા છે.











