Indian Railways: કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં લોકસભામાં વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, સગર્ભા અને વિકલાંગો માટે લોઅર બર્થ પ્રદાન કરવામાં આવશે તેવી ભારતીય રેલવે તરફથી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં વરિષ્ઠ નાગરિકો, 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના મહિલા મુસાફરો, સગર્ભાઓ તેમજ વિકલાંગોને બુકિંગ દરમિયાન કોઈ ચોક્કસ પસંદગી સૂચવવામાં ન આવે તો પણ ઉપલબ્ધતાને આધીન તેઓને નીચેની બર્થ આપમેળે ફાળવવામાં આવશે.
તમામ ટ્રેનોમાં વિકલાંગો માટે આરક્ષણ ક્વોટા લાગુ કરાશે
સ્લીપર ક્લાસમાં પ્રતિ કોચ દીઠ છથી સાત લોઅર બર્થ, એસી થ્રી ટાયરમાં પ્રતિ કોચ દીઠ ચારથી પાંચ લોઅર બર્થ અને એસી ટુ ટાયરમાં પ્રતિ કોચ દીઠ ત્રણથી ચાર લોઅર બર્થ વરિષ્ઠ નાગરિકો, સગર્ભા, વિકલાંગો માટે સમર્પિત ક્વોટા મારફતે ફાળવામાં આવશે. તેવીજ રીતે વિકલાંગો માટે હવેથી રાજધાની અને શતાબ્દી પ્રકારની ટ્રેન સહિત તમામ ટ્રેનોમાં આરક્ષણ ક્વોટા લાગુ કરવામાં આવશે. જેના માટે સ્લીપર ક્લાસમાં ચાર બર્થ, 3એસી/3ઈમાં બે બર્થ તેમજ 2એસ/સીસીમાં ચાર સીટ ફાળવવામાં આવશે.