માધવપુરનો મેળો સદભાવના, સમરસતાનો સંદેશ આપે છે પુરોહિત, ગળચર, દાસા અને કરગઠિયા જ્ઞાતિના લોકો ઉપાડે છે ભગવાન શ્રીકૃષ્ણની પાલખી, જ્યારે દરજી સમાજના લોકો ભગવાનની છત્રી ઉપાડે છે
પોરબંદર, : માધવપુર ઘેડના મેળામાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના લગ્ન પ્રસંગ સાથે અનેક પરંપરાઓ જોડાયેલી અને આ પરંપરાઓ અને વિધિઓ સાથે ઇતિહાસ જોડાયેલો જે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂં પાડે છે.આજે પણ ભગવાન શ્રીકૃષ્ણની પાલખી ઉપાડવા માટે પુરોહિત(બ્રાહ્મણ), ગળચર(રબારી), દાસા(મહેર) અને કરગઠિયા (કોળી)જ્ઞાાતિના લોકો પોતાની વર્ષો જૂની પરંપરા નિભાવી રહ્યા છે.
ભગવાન શ્રીકૃષ્ણની પાલખી ઉપાડવાની ઐતિહાસિક પરંપરા વિષે માધવરાયજી મંદિરના ટ્રસ્ટી જનકભાઈ પુરોહિતે જણાવ્યું કે, પૌરાણીક કથા અનુસાર ભગવાન માધવરાયજીને લૂંટવા માટે લૂંટારાઓનુ ટોળુ આવી ચડતા ભગવાન માધવરાયજીને બચાવવા હજારો યુવાનો સાથે આ ચાર સમાજના યુવાનો આગળ આવ્યા હતા. અને આ લુટેરાઓ સામે બાથ ભીડી હતી. આ દરમિયાન તેમના માથાઓ ધડથી અલગ થયાં હોવા છતાં તેઓ માથા વગરનાં ધડે પણ લડતાં હતા.
ત્યારબાદ લૂંટોરાઓ ચારણના નેસડામાં રહેતી દીકરીઓને માથા વિનાના લડતા ધડને શાંત પાડવાનો ઉપાય માંગે છે ત્યારે ચારણની દીકરીઓ અજાણતા લૂંટેરાઓના ધડને શાંત કરવા દરિયાલની દોરી લડતા ધડો પર નાખવાની સલાહ આપે છે જેથી ધડ શાંત પડે છે. લડતાં લુટેરાઓની હજારોની ટોળકીનો વધ કરી શહાદત વહોરી શ્રી પુરોહિત કહે છે કે, આજે પણ આ ચારેય વીરોના પાડયા ત્યા મોજુદ છે. પણ લૂંટેરાઓને સલાહ આપ્યાની જાણ ચારણની દીકરીઓને થતાં પછતાવો થયો હતો.અને તેનું પ્રાયશ્ચિત માટે એ નવ દીકરીઓ જમીનમાં સમાઈ જાય છે. જે જગ્યાને માધવપુર પોરબંદર વચ્ચે આવેલ નવાઈ માતાના મંદિર તરીકે ઓળખાય છે. ત્યારથી ભગવાન શ્રીકૃષ્ણની પાલખી ઉપડવાની આ ચાર જ્ઞાાતિની પરંપરાની શરૂઆત થાય છે.જ્યારે પાલખી નીકળે ત્યારે ભગવાન ઉપર છત્રી પકડનાર દરજી સમાજ પણ પોતાની વર્ષો જૂની પરંપરા નિભાવી રહ્યો છે. માધવપુરનો મેળો તમામ સમાજને એક સાથે જોડી ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીનો લગ્નોત્સવ ઉજવવામાં આવે છે . જે એક સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડે છે.