![]()
– ગઢડા પંથકમા અકસ્માતથી દિવાળી રક્તરંજિત બની
– બાઈક લઈને વહેલી સવારે બે આધેડ રળિયાણા જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો
ગઢડા : ગઢડા પંથકમાં રળિયાણાથી ગુંદાળા રોડ ઉપર વહેલી સવારે લકઝરી બસ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા બે વ્યક્તિના ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યા હતા.
ગઢડાથી ૫ કિમીના અંતરે આવેલા ઢસા રોડ સ્થિત રળિયાણાથી ગુંદાળા રોડ ઉપર વહેલી સવારે લકઝરી બસ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા બે વ્યક્તિના ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યા હતા. ગઢડાના માલપરા ગામે રહેતા મનસુખભાઈ જીવાભાઈ પાટડિયા (ઉં.વ.૬૦) અને બાબુભાઈ પ્રતાપભાઇ મકવાણા (ઉં. વ.૫૩) સવારે ૭ -૩૦ કલાકે પોતાનું બાઇક નં. જીજે ૦૪ ૬૦૩૯ લઈને રળિયાણા તરફ વાડીના કામથી જઇ રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવતી બાપા સીતારામ ટ્રાવેલ્સ ની લક્ઝરી બસ નં. જીજે. ૦૧ બીઝેડ ૯૯૦૬ સાથે જોરદાર ટક્કર લાગતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.બન્ને આધેડ બાઇક સાથે ફંગોળાઈ જતા ગંભીર ઇજા થઈ હતી.બાઇક સવાર મનસુખભાઈ જીવાભાઈ પાટડિયા અને બાબુભાઈ પ્રતાપભાઇ મકવાણાને ઇજા થતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ અકસ્માતના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ મૃતક મનસુખભાઈ ના પુત્ર રોનકભાઈ મનસુખભાઈ પાટડિયાએ લક્ઝરી બસના ચાલક વિરુદ્ધ ધોરણસરની ફરિયાદ નોંધાવી હતી.










