![]()
– આણંદ- વિદ્યાનગર રોડ સાંકડો થયો
– આડેધડ વાહન પાર્કિંગના કારણે ટાઉન હોલ, વૃંદાવન ગ્રાઉન્ડ સહિતની ચોકડીઓ પર સતત ટ્રાફિકજામ
આણંદ : આણંદ- વિદ્યાનગર રોડ ઉપર ફૂટપાથ પર મંડપ બાંધી દઈ વેપારીઓએ વેચાણ શરૂ કરી દેતા ટ્રાફિકની સમસ્યા વકરી છે. વાહન ચાલકો પણ વાહનો આડેધડ પાર્ક કરી ખરીદી માટે જતા રહેતા રોડ સાંકડાં બન્યા છે.
કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારના આણંદ વિદ્યાનગર રોડ ઉપર દિવાળીના પર્વ સંદર્ભે વેપારીઓ દ્વારા રોડ ઉપર પંડાલ ઉભા કરી દેવામાં આવ્યા હતા. જેમાં મીઠાઈ, ગારમેન્ટ, બુટ- ચંપલ, ઘરવખરીની વસ્તુઓના વેચાણ માટે પંડાલ બાંધી દેવાના કારણે ફૂટપાટ ઉપર ભારે અગવડ પડી રહી હતી. દિવાળીની ભીડને કારણે આણંદ વિદ્યાનગર રોડ હાલ અત્યંત સાંકડો બની ગયો છે. ટાઉનહોલ ચોકડી, એપીએમસી ચોકડી, વૃંદાવન ગ્રાઉન્ડ ચોકડી ઉપર સતત ટ્રાફિકજામની સમસ્યાઓ સર્જાઈ હતી. આણંદ શહેરના વિવિધ વિસ્તારો ટૂંકી ગલી, જુના બસ સ્ટેન્ડ, સિવિલ હોસ્પિટલ રોડ, લક્ષ્મી થિયેટર રોડ, વેરાઈ માતા શાકમાર્કેટ, અમુલ ડેરી રોડ ઉપર છેલ્લા બે દિવસથી ખૂબ જ ભીડ જામતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. વાહનચાલકો પણ આડેધડ પાર્કિંગ કરી ખરીદી કરવા જતા રહેતા શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે.










