– 15 દિવસથી દુર્ગંધ મારતું પાણી આવતા હાલાકી
– પાલિકાના વોર્ડ નં. પાંચના કાઉન્સિલરે સોશિયલ મીડિયા અને ગુ્રપમાં પોસ્ટ વાઈરલ કરી
ડાકોર : ડાકોર પાલિકામાં ૧૫ દિવસથી નળમાંથી દુર્ગંધ મારતું ફિણવાળું દુષિત પાણી આવતું હોવાની વોર્ડ નં.- પાંચના કાઉન્સિલરે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે. પાલિકાના અન્ય વોર્ડમાં પણ પ્રાથમિક સુવિધાના અભાવના લીધે લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે.
ડાકોર નગરપાલિકામાં રોડ, રસ્તા, ગટર અને પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓને લગતી ફરિયાદો અગાઉ ત્રણ વર્ષથી વહીવટદારના શાસનથી યથાવત્ જ રહી છે. હાલ ભાજપના પ્રમુખ બન્યાને મહિનો થઈ ગયો છે. ત્યારે પ્રાથમિક સુવિધા હજૂ પણ મળતી નથી.
પહેલા તો પાલિકાના સ્થાનિકો ફરિયાદ કરતા હતા. હવે પાલિકામાં વોર્ડ નં. પાંચમાં ચૂંટાયેલા પ્રતિનિધિ અને કારોબારી સભ્યએ તેમના વોર્ડમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી આવતું હોવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને રોષ સાથે ઉભરો ઠાલવ્યો છે. વોર્ડ નં.- ૩, ૬, ૭માં ભાજપની બહુમતી હોવા છતાં પણ વોર્ટમાં પ્રાથમિક સુવિધાના અભાવના લીધે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે અગાઉ ફરિયાદો ઉઠતા પાલિકાના ચીફ ઓફિસરની બદલી કરી દેવાઈ હતી. બાદમાં ફરી તેમની બદલી ડાકોરમાં કરાઈ છે. ત્યારે પ્રાથમિક સુવિધાઓને લઈને ડાકોર પાલિકા વિસ્તારના લોકોને ફરી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
આ બાબતે નગરપાલિકાના વોર્ડ નં.- પાંચના કાઉન્સિલર નિલેશભાઈ દલવાડીએ જણાવ્યું છે કે, છેલ્લા ૧૫ દિવસથી દલપુરા સહિત અન્ય વિસ્તારમાં નળમાંથી દુર્ગંધ મારતું ફિણવાળું દૂષિત પાણી આવે છે. આ અંગે નગરપાલિકાના ઉપપ્રમુખે બનાવેલા ગુ્રપમાં ફરિયાદ કરી છે પણ આજ દિનસુધી કોઈ નિરાકરણ આવ્યું નથી.
આ બાબતની રજૂઆત માટે ચીફ ઓફિસ સંજયભાઈ પટેલને ફોન કરવા છતાં તેમણે ફોન રિસિવ કરવાનું ટાળ્યું હતું.