– સાડા ત્રણ વર્ષ પૂર્વેની ઘટનામાં બોટાદ કોર્ટનો ચુકાદો
– યુવતી બાબતના ઝઘડાની દાઝ રાખી વાળ કપાવી રહેલા યુવાનને શખ્સે છાતીના ભાગે કાતરના બે ઘા ઝીંકી ખૂની ખેલ ખેલ્યો હતો
બોટાદ : બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના વૈયા ગામે સાડા ત્રણ વર્ષ પૂર્વે વાળંદની દુકાનમાં યુવાનની હત્યા કર્યાની ચકચારી ઘટનામાં બોટાદ કોર્ટે એક શખ્સને આજીવન કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો છે.
બરવાળાના વૈયા ગામે રહેતા શૈલેષભાઈ કેશુભાઈ કોગતિયાના સગાની દીકરી સાથે રણજીત થોભણભાઈ ડાબસરા (ઉ.વ.૨૪, રહે, વૈયા) નામના શખ્સની સગાઈ થઈ હતી. જે યુવતી સાથે સંજયભાઈ કેશુભાઈ કોગતિયા (રહે, વૈયા)ને સબંધ હોવાની શખ્સને શંકા-કુશંકા હોય, ગત તા.૭-૯-૨૦૨૧ના રોજ સંજયભાઈ નામનો યુવાન વાળંદની દુકાને ખુરશી પર વાળ કપાવવા બેઠો હતો. ત્યારે રણજીત ડાબસરાએ ધસી આવી વાળ કાપવાની કાતરથી યુવાનને છાતીના ભાગે બે ઘા મારી દઈ સંજયભાઈની હત્યા કરી નાંખી હતી. આ બનાવ અંગે મૃતકના ભાઈ શૈલેષભાઈ કોગતિયાએ બરવાળા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૦૨, ૫૦૪, ૫૦૬ (ર) મુજબ ગુનો નોંધી હત્યારા શખ્સ રણજીત ડાબસરાની ધરપકડ કરી તપાસના અંતે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. દરમિયાનમાં આ અંગેનો કેસ બોટાદના ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ હેમાંગ આર. રાવલની કોર્ટમાં ચાલી જતાં ફરિયાદી પક્ષે ૧૫ સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. તેમજ જિલ્લા સરકારી વકીલ કે.એમ. મકવાણાની ધારદાર દલીલો, ૨૯ દસ્તાવેજી પુરાવા વગેરેને ગ્રાહ્ય રાખી જજ એચ.આર. રાવલે આરોપી રણજીત ડાબસરાને કસુરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રૂા.૧૦,૦૦૦નો દંડ ફટકાર્યો હતો.