Air Force Officer Dies in Agra: ભારતીય વાયુસેનાને ચાર દિવસમાં બીજી મોટી ખોટ પડી છે. આગ્રામાં શનિવારે ટ્રેનિંગ એક્સરસાઇઝ દરમિયાન ઇજાના કારણે પેરા જમ્પ ઇન્સ્ટ્રક્ટર રામકુમાર તિવારીનું મોત થયું હતું. વાયુસેનાએ જણાવ્યું કે પેરા જમ્પ પ્રશિક્ષક આકાશ ગંગા સ્કાય ડાઈવિંગ ટીમના સભ્ય હતા. તેમનું મૃત્યુ ‘ડેમો ડ્રોપ’ દરમિયાન થયેલી ઈજાઓને કારણે થયું હતું. ‘ડેમો ડ્રોપ’ એ તાલીમ કવાયત માટેનો ટેકનિકલ શબ્દ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ બુધવારે, ગુજરાતના જામનગરમાં ટ્રેનિંગ ફ્લાઇટ દરમિયાન પ્લેન ક્રેશ થતાં જેગુઆર ફાઇટર પ્લેનના પાયલોટનું મૃત્યુ થયું હતું.
હેલિકોપ્ટરમાંથી જમ્પ દરમિયાન અકસ્માત
પોલીસે જણાવ્યું કે ભારતીય વાયુસેનાના વોરંટ ઓફિસર રામકુમાર તિવારીનું શનિવારે અવસાન થયું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘વોરંટ ઓફિસર તરીકે તહેનાત રામકુમાર તિવારી (ઉ. વ. 41)એ શનિવારે સવારે લગભગ 09:30 વાગ્યે હેલિકોપ્ટરમાંથી કૂદકો માર્યો હતો અને કૂદ્યા બાદ પેરાશૂટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને આ ખામીને કારણે રામકુમાર તિવારી સીધા જ જમીન પર પડ્યા હતા. ત્યારબાદ વાયુસેનાના જવાનોએ રામકુમાર તિવારીને ઈજાગ્રસ્ત હાલતમાં સૈન્ય હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું.’
આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ પોલીસ (એસીપી) વિનાયક ભોસલેએ જણાવ્યું હતું કે, ‘મોત અંગેની માહિતી લશ્કરી હોસ્પિટલમાંથી બપોરે 12 વાગ્યે મળી હતી. પોલીસ સ્ટેશન સદરે પંચાયતનામું ભરી બોડીનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે’
ઇન્ડિયન એર ફોર્સે આપી જાણકારી
ઇન્ડિયન એર ફોર્સે આ અંગે માહિતી આપતા X પર જણાવ્યું હતું કે, ‘ભારતીય વાયુસેનાની આકાશ ગંગા સ્કાયડાઇવિંગ ટીમના પેરા જમ્પ ટ્રેનરનું આગરામાં ડેમો ડ્રોપ દરમિયાન ઇજા થવાને કારણે નિધન થયું છે. ભારતીય વાયુસેના આ નુકસાન પર ઊંડો શોક વ્યક્ત કરે છે અને શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરે છે અને આ દુઃખની ઘડીમાં તેમની સાથે ઉભું છે.’
આ પણ વાંચો: વક્ફ કરતાં પણ વધુ 7 કરોડ હેક્ટર જમીન કેથોલિક ચર્ચ પાસે, આરએસએસએ સરકારનું ધ્યાન દોર્યું
જામનગરમાં ફાઈટર એરક્રાફ્ટ ટ્રેનિંગ ફ્લાઇટ દરમિયાન ક્રેશ
આ પહેલા બુધવારે ગુજરાતના જામનગરમાં એરફોર્સનું જગુઆર ફાઈટર એરક્રાફ્ટ ટ્રેનિંગ ફ્લાઇટ દરમિયાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પાયલટ સિદ્ધાર્થ યાદવ શહીદ થયા હતા. દુર્ઘટના પહેલા તેણે તેના પાર્ટનરને સુરક્ષિત રીતે બહાર નીકળવા માટે સમય આપ્યો અને પ્લેનને ગીચ વસ્તીવાળા વિસ્તારમાંથી દૂર લઈ ગયા હતા, જેના કારણે ઘણા લોકોના જીવ બચી ગયા.