ગાંધીનગર નજીક આવેલા સરઢવ ગામમાં
પેથાપુર પોલીસ દ્વારા ઝડપાયેલા શખ્સો પાસેથી ૫૪ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો
ગાંધીનગ : ગાંધીનગર જિલ્લામાં જુગારની પ્રવૃત્તિ વધી રહી છે ત્યારે
પેથાપુર પોલીસ દ્વારા સરઢવ ગામમાં ચીકુડીની વાડીમાં કોઇન આધારિત ચાલતા જુગાર ધામ
ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં બે શખ્સો ઝડપાઈ ગયા હતા જ્યારે પાંચ ભાગી
જવામાં સફળ રહ્યા હતા. પોલીસે ૫૪ હજારનો મુદ્દામાલ કબજે કરીને ફરાર જુગારીઓને
પકડવા દોડધામ શરૃ કરી છે.
જિલ્લામાં આમ તો શ્રાવણ મહિના દરમિયાન જુગાર વધુ જોવા મળતો
હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં અલગ અલગ ઠેકાણે જુગાર ચાલી
રહ્યો છે. આ સ્થિતિમાં પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી
હતી કે સરઢવ ગામથી જતા રોડ ઉપર મારી વટો વિસ્તારમાં આવેલી ચીકુડીની વાડીમાં કોઈન
આધારિત જુગારધામ ચાલી રહ્યું છે. જે બાતમીના પગલે પોલીસ ટીમ દ્વારા અહીં દરોડો
પાડવામાં આવ્યો હતો. જો કે પોલીસને જોઈને જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને તેઓ
ભાગવા લાગ્યા હતા. જ્યારે પોલીસ દ્વારા પીછો કરીને બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા
હતા. જેમની પૂછપરછ કરવામાં આવતા તેઓ સરઢવ ગામના ભીખાજી નાથાજી ઠાકોર અને વિષ્ણુ
પ્રહલાદભાઈ પટેલ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ દ્વારા પૂછવામાં આવ્યું હતું કે
આ જુગારધામ કોણ ચલાવી રહ્યું છે જેથી તેમણે કબૂલ્યું હતું કે સરઢવ ગામના અરવિંદ
પટણી અને રમેશ બબલદાસ પટેલ આ જુગારધામ ચલાવી રહ્યા હતા. જ્યારે અન્ય ત્રણ શખ્સો
ભાગી ગયા છે. અહીં કોઈન આધારિત જુગાર રમાડવામાં આવતો હતો. જેથી જે શખ્સો જુગાર
રમવા આવે તેમના રૃપિયા અલગ લઈ લેવામાં આવતા હતા અને તેની સામે તેમને કોઈન આપવામાં
આવતા હતા. હાલ પોલીસ દ્વારા ૫૪ હજારનો મુદ્દામાલ કબજે કરીને ફરાર આરોપીઓને પકડવા
માટે દોડધામ શરૃ કરવામાં આવી છે.