– દેશમાં સ્ટાર્ટ અપ્સના નામે કરિયાણા-ડીલિવરી એપ્સ બને છે : કેન્દ્રીયમંત્રી
– લોકોને ઈતિહાસમાંથી વિજ્ઞાન તરફ લઈ જવાની જરૂર : ગ્રોવર, સરકારે ડીપ-ટેક સ્ટાર્ટ અપ્સ વિકસાવવા શું કર્યું : પાઈનો સવાલ
નવી દિલ્હી : ભારત દુનિયામાં સ્ટાર્ટ અપ્સનું હબ બની રહ્યું હોવાના વડાપ્રધાન મોદીના દાવાની હવા કાઢી નાખતાં કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે દાવો કર્યો કે, ભારતમાં સ્ટાર્ટ અપ્સના નામે કરિયાણા- ફૂડ સહિતની ડીલિવરી માટેની એપ્સ અને બેટિંગ (સટ્ટા) માટેની એપ્સ બની રહી છે. આ દાવાથી એક તરફ ભાજપની નેતાગીરીને હતપ્રભ થઈ ગઈ છે તો બીજી તરફ સોશિયલ મીડિયા પર ઉદ્યોગ જગતના અગ્રણીઓ સહિત લોકો કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ પર તૂટી પડયા છે અને ભાજપ સરકારની આકરી ઝાટકણી કાઢી રહ્યા છે.
વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે સ્ટાર્ટ અપ્સ માટેના મહાકુંભમાં બોલતાં ચીનની સરખામણીમાં ભારતીય સ્ટાર્ટ અપ્સ અત્યંત પછાત હોવાનો દાવો કરીને કહ્યું કે, ભારતીય સ્ટાર્ટઅપ્સ ફેન્સી લેબલ સાથે ફૂડ, ડિલિવરી અને મૂળભૂત ગ્રાહક ઉત્પાદનો પૂરતાં મર્યાદિત છે ત્યારે ચીનના સ્ટાર્ટઅપ્સ સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રિક વાહનો, બેટરી અને આર્ટિફશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) પર કામ કરી રહ્યા છે.
ભારતીય સ્ટાર્ટઅપ્સની ટીકા કરતા લોકો સવાલ કરી રહ્યા છે કે પીયુષ ગોયલને ૧૧ વર્ષે અચાનક બ્રહ્મજ્ઞાન કેમ લાદ્યું ? ભારતમાં સ્ટાર્ટ અપ્સના નામે ડીલિવરી અને બેટિંગ એપ્સ જ બનતી હતી તો તમે અત્યાર સુધી શું કરતા હતા ? તમે કેમ ધ્યાન ના રાખ્યું ? ભારતમાં પણ ચીનની જેમ સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રિક વાહનો, બેટરી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનાં સ્ટાર્ટ અપ્સ શરૂ થાય એ માટે કેમ પ્રયત્નો ના કર્યા કે કેમ એવું વાતાવરણ પેદા ના કર્યું ? અનેક યુઝર્સે દાવો કર્યો કે ગોયલ પોતાની જવાબદારીથી હાથ ખંખેરી રહ્યા છે અને પોતાની નિષ્ફળતાનો દોષનો ટોપલો બીજા પર ઢોળી રહ્યા છે. ગોયલ પોતે કેન્દ્રમાં વ્યાપાર મંત્રી છે ત્યારે ભારતમાં ક્યા પ્રકારનાં સ્ટાર્ટ અપ્સને પ્રોત્સાહન આપવું જોઈએ એ માટેની નીતિ તેમણે કેમ ના બનાવી એવો મુદ્દો પણ ઉભો કરાયો છે.
ભારતપેના સ્થાપક અશ્નીર ગ્રોવરે કહ્યું કે, રાજકારણીઓએ વાસ્તવિકતા તપાસવાની જરૂર છે. ચીને પણ શરૂઆત ફૂડ ડિલિવરી એપથી કરી હતી અને પછી ડીપ ટેકમાં ગયા હતા. રાજકારણીઓ આજના રોજગાર સર્જકોને ઠપકો આપે છે પણ એ પહેલાં તેમણે ચીનની જેમ દેશને ૨૦ વર્ષ સુધી ૧૦ ટકાથી વધારે આર્થિક વૃદ્ધિ દર આપવો જોઈએ અને લોકોના માનસને પણ ઈતિહાસમાંથી બહાર કાઢીને વિજ્ઞાન તરફ લઈ જવાની જરૂર છે.
ઇન્ફોસિસના ભૂતપૂર્વ સીએફઓ ટીવી મોહનદાસ પાઇએ ગોયલને વળતો પ્રહાર કરતાં સવાલ કર્યો છે કે, ગોયલે પોતે કોમર્સ મિનિસ્ટર તરીકે કે તેમની પોતાની મોદી સરકારે ડીપ-ટેક સ્ટાર્ટઅપ્સને વિકસાવવા માટે શું કર્યું છે ? પાઈએ કહ્યું કે, ચિપ ડિઝાઇન, રોબોટિક્સ, ઇવી ચાર્જિંગ વગેરેમાં ઘણા સ્ટાર્ર્ટઅપ્સ છે પણ મૂડી ક્યાં છે? લાંબા ગાળાના રોકાણકારો તમારા પ્રયત્નો છતાં હજુ પણ રોકાણ કરતા નથી. એઆઈએફ પ્રવાહ ઓછો છે, રીઝર્વ બેંક વિદેશી રોકાણકારોને હેરાન કરે છે અને સરકાર દ્વારા સંચાલિત બસો અમારી પાસે ટેકનોલોજી હોવા છતાં પણ ખરીદી કરતી નથી.