અમદાવાદ : શેરબજારમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવ વચ્ચે સુધારાના સંકેતના પગલે ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની પરિસ્થિતિ બદલાતી હોય તેવું લાગે છે. પીએલ વેલ્થ મેનેજમેન્ટના અહેવાલ મુજબ, મ્યુચ્યુઅલ ફંડ માર્કેટમાં હવે રિકવરી જોવા મળી રહી છે. આ રિકવરી એટલી નોંધપાત્ર રહી છે કે માર્ચ માસમાં લગભગ ૩૯ ટકા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડોએ વળતરની દ્રષ્ટિએ તેમના બેન્ચમાર્ક કરતાં વધુ સારો દેખાવ કર્યો છે. જ્યારે છેલ્લા કેટલાક મહિનામાં લગભગ તમામ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓના ટૂંકા ગાળાના વળતર નકારાત્મક રહ્યા છે.
અહેવાલ મુજબ સેક્ટોરલ/થિમેટિક ફંડ્સને બાદ કરતાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સની એયુએમ (એસેટ અંડર મેનેજમેન્ટ) ફેબ્રુઆરી ૨૦૨૫ માં રૂ.૨૩,૧૨,૫૭૧ કરોડથી વધીને માર્ચ ૨૦૨૫ માં રૂ.૨૪,૯૦,૨૧૮ કરોડ થઈ ગઈ છે. જે ૭.૬૮% નો વધારો દર્શાવે છે.
આ વિશ્લેષણમાં ૨૯૮ ઓપન-એન્ડેડ ઇક્વિટી ફંડ્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાંથી ૩૮.૬૪% ફંડ્સ માર્ચ ૨૦૨૫માં તેમના સંબંધિત બેન્ચમાર્ક કરતાં વધુ સારા હતા. આ સમયગાળા દરમિયાન, કુલ ૧૧૪ ફંડ્સે વળતરની દ્રષ્ટિએ તેમના બેન્ચમાર્ક કરતાં વધુ સારા હતા.
માર્ચ ૨૦૨૫ માં લાર્જ કેપ ફંડ્સે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. આ શ્રેણીની ૭૧.૮૮% યોજનાઓએ તેમના બેન્ચમાર્ક કરતાં વધુ સારું વળતર આપ્યું છે. આ પછી લાર્જ અને મિડ કેપ ફંડ્સનો ક્રમ હતો, જેમાં ૫૮% સ્કીમ્સે બેન્ચમાર્ક કરતાં વધુ કમાણી કરી છે. મિડ કેપ ફંડ્સમાં આ આંકડો ૫૧.૭૨% હતો. સ્મોલ કેપ ફંડ્સે સૌથી નબળું પ્રદર્શન કર્યું છે. આ શ્રેણીની માત્ર ૧૦% યોજનાઓએ તેમના બેન્ચમાર્ક કરતાં વધુ સારું વળતર આપ્યું છે.
ટૂંકા ગાળામાં ફંડના પ્રદર્શનમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હોવા છતાં, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (સિપ) એ સતત વળતર આપવાનું ચાલુ રાખ્યું છે.