Cab driver misbehaves with pregnant woman in Delhi: દિલ્હીથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક ગર્ભવતી મહિલાએ આરોપ લગાવ્યો છે કે, જ્યારે તેણે ઓલા કેબ ડ્રાઇવરને એસી ચાલુ કરવાનું કહ્યું ત્યારે ઓલાના ડ્રાઈવરે મહિલાના ગર્ભમાં ઉછરતાં બાળકને લાત મારી મોતને ઘાટ ઉતારી દેવાની ધમકી આપી હતી. મહિલા નોઈડા એક્સટેન્શનથી સાકેત જઈ રહી હતી. આ ઘટના ઓલા કેબની મુસાફરી દરમિયાન બની હોવાનું કહેવાય છે. મહિલાએ દાવો કર્યો હતો કે, ‘જ્યારે મેં કેબ ડ્રાઈવરને એસી ચાલુ કરવાનું કહ્યું ત્યારે તેણે સ્પષ્ટ ના પાડી દીધી.’
આ પણ વાંચો : PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો
‘તારા પેટ પર લાત મારીશ અને અહીં જ ગર્ભપાત થઈ જશે’
અહેવાલ પ્રમાણે મહિલાએ લિંક્ડઇન પર ઘટનાનું વર્ણન કર્યું અને કહ્યું, ‘મેં નોઇડા એક્સટેન્શનથી સાકેત માટે કેબ બુક કરાવી હતી. જ્યારે મેં તેને મુસાફરી દરમિયાન એસી ચાલુ કરવાનું કહ્યું, ત્યારે તેણે સ્પષ્ટ ના પાડી. જ્યારે મેં એસી ચાલુ કરવાનો આગ્રહ કર્યો તો ડ્રાઈવર કથિત રીતે ગુસ્સો થઈ ગયો હતો અને તેણે મને ધમકી આપી કે, “હું તારા પેટમાં લાત મારીશ અને અહીં જ ગર્ભપાત થઈ જશે”, જ્યારે તે જાણતો હતો કે હું ગર્ભવતી છું. આ સાથે ડ્રાઇવરે મને કેબમાંથી અધવચ્ચે જ ઉતરી જવા માટે દબાણ કર્યું અને ધમકી આપી કે, “બસ રાહ જુઓ અને આગળ શું થાય છે તે જુઓ.”
આ પણ વાંચો : ચાલતી કારમાં રોમાન્સની છૂટ, ભારતના આ રાજ્યમાં વિચિત્ર કેબ સર્વિસ શરૂ, ડ્રાઈવર નહીં જોઈ શકે
કંપનીએ દુર્ભાગ્યપૂર્ણ ઘટના માટે માફી માંગી
રિપોર્ટ પ્રમાણે મહિલાએ કહ્યું કે, તેણે આ ઘટના અંગે ઓલાના ગ્રાહક સપોર્ટમાં ફરિયાદ નોંધાવી છે અને મહિલા હેલ્પલાઇનને પણ આ ઘટનાની જાણ કરી છે. જવાબમાં, કંપનીએ મહિલાને ખાતરી આપી કે ડ્રાઇવર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે. કંપનીએ કહ્યું, ‘ઓલા કેબ સાથે તમારી મુસાફરી દરમિયાન બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટના માટે અમે માફી માંગીએ છીએ. અમે ભાગીદાર સામે યોગ્ય કાર્યવાહી કરી છે, જેથી નજીકના ભવિષ્યમાં આવી સમસ્યાઓ દૂર થઈ શકે.’