જામનગર રાજકોટ તેમજ કાલાવડ રાજકોટ ધોરી માર્ગ પર જુદા જુદા બે વાહન અકસ્માતમાં સાત વ્યક્તિઓને ઈજા થઈ છે. જે બન્ને અકસ્માત મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
પ્રથમ બનાવ જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર વાંકીયા ગામ પાસે બન્યો હતો. ધ્રોલમાં રહેતા અને રસોઈ કામ કરતા પ્રવીણભાઈ ધનજીભાઈ રાજગોર બ્રાહ્મણ (33) કે જેઓ પોતાના બાઈકમાં પોતાના બે સંતાનો રોનક અને હિમાંશીને બેસાડીને વાંકીયા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાનમાં એક સફેદ કલરની ક્રેટા કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત થયો હતો. જે અકસ્માતમાં બાઈક ચાલક યુવાન અને તેના બંને સંતાનોને ઈજા થઈ છે, અને તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ મામલે ધ્રોળ પોલીસે કારનાચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માત નો બીજો બનાવ જામનગર કાલાવડ ધોરી માર્ગ પર બન્યો હતો. ત્યાંથી રીક્ષા લઈને જઈ રહેલા જયેશભાઈ શીવાભાઈ બાબરીયાની રીક્ષાને જીજે 10 ડી.આર. 1632 નંબરની કારના ચાલકે ઠોકર મારી દેતાં પલ્ટી ખાઈ ગઈ હતી.
જે અકસ્માતમાં રીક્ષા ચાલક જયેશભાઈ ઉપરાંત રિક્ષામાં બેઠેલા તેના સંબંધી ચેતલબેન જીવાભાઇ બાબરીયા, રંજનબેન ડાયાભાઈ મુછડીયા, તેમજ ધવલભાઈ મુકેશભાઈ મુછડીયા વગેરેને નાની મોટી ઈજા થઈ હોવાથી રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા હતા. સમગ્ર બનાવ મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસે કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.