ફતેપુરા વિસ્તારના ગરૂડપાગા અને નાનીપિતાંબર પોળ ખાતે પીવાનું પાણી દૂષિત તથા ઓછા પ્રેશરથી વિતરણ થતું હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહીશોએ તંત્ર વિરુદ્ધ આક્રોશ દર્શાવવા વિરોધ પ્રદર્શન યોજી વહેલી તકે સમસ્યાના નિરાકરણની માંગ કરી છે.
શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે પાણીની સમસ્યાથી ત્રસ્ત નાગરિકો વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. તાજેતરમાં ફતેપુરા, કારેલીબાગ , ગોરવા, દંતેશ્વર સહિતના વિસ્તારોમાં લોકોએ પાણીની સમસ્યા અંગે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે આજે ફતેપુરા ચાર રસ્તા પાસેના ગરૂડપાગા અને નાનીપિતાંબર પોળના આશરે 100 જેટલા પરિવારો વસવાટ કરતા હોય પીવાનું પાણી શુદ્ધ અને પુરતા પ્રેશરથી મળી રહે તેવી માંગ સાથે દેખાવો યોજી કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર પોકાર્યા હતા. તેમજ સ્થાનિક કાઉન્સિલરો સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. અત્રે યાદ અપાવવું જરૂરી છે કે , માપદંડ મુજબ પ્રત્યેક વ્યક્તિને પ્રતિ દિવસ 135 લિટર પાણી મળવું જોઈએ. એક અંદાજ મુજબ શહેરમાં 562 એમએલડી સામે 575 એમએલડી પાણીની આવક છે. તેમજ પાણીનું વિતરણ આધુનિક ઢબે કરવા પાણીનું કંટ્રોલિંગ નિયમન ,રીયલ ટાઇમ તથા ઓટોમેટીક થાય તે માટે ફ્રેંચવેલ તથા પાણીની ટાંકીઓ ખાતે સ્કાડા પ્રોજેક્ટ અંતર્ગત કરોડો રૂપિયા પણ ખર્ચાઈ ગયા છે. અને ઉનાળાની ઋતુ દરમિયાન પાણીની માંગમાં વધારો થતા સમસ્યા ઉદ્ભવતી હોવાનો લુલો બચાવ પણ તંત્ર કરે છે.