– રાજકોટ નજીકના જીયાણા ગામમાં મર્ડર મિસ્ટ્રી
રાજકોટ : રાજકોટ નજીકના જીયાણા ગામે ગઇકાલે રાત્રે પતિ સાથે વાડી વાવતી મહિલાની ધારિયાના ઘા ઝીંકી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. મહિલાનો પતિ પણ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. તેણે અજાણ્યા શખ્સે પત્નીની હત્યા કયાનું પોલીસને જણાવ્યું છે. પરંતુ પોલીસને તેની વાત ગળે ઉતરી નથી. આ સ્થિતિમાં તેને જ ફરિયાદી બનાવી અને શંકામાં દાયરામાં રાખી, ભેદ ઉકેલવા મથામણ જારી રાખી છે.
પતિ પણ ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યો, પતિને અગાઉ મર્ડરમાં સજા પડી ચૂકી છે
મૂળ મધ્યપ્રદેશના અલીરાજપૂર જિલ્લાનો વતની લખડીયા માંગલીયા પછાયા (ઉ.વ.૬૦) છેલ્લા એક વર્ષથી પત્ની જમકુ ઉર્ફે રોમકી સાથે જીયાણા ગામે મનસુખભાઇ નાથાભાઈ દોમડીયાની વાડી વાવે છે. અગાઉ તે બોટાદ તરફ વાડી વાવતો હતો. તેણે પોલીસને એવું કહ્યું છે કે તેના પહેલા લગ્ન કુમલી નામની મહિલા સાથે થયા હતા. તેણે પોતાના વતનમાં એક વ્યક્તિની હત્યા કરી હતી. જેમાં ઇન્દોર જેલમાં સજા ભોગવતો હતો. પાછળથી તેની પત્ની કુમલીએ બીજા લગ્ન કરી લીધા હતાં.
તેના થકી સંતાનમાં પુત્રીની પ્રાપ્તિ થઇ હતી. જે હાલ પતિ સાથે સાવરકુંડલા વાડી વાવે છે. બાદમાં તેણે જમકુ ઉર્ફે રોમકી (ઉ.વ.આશરે ૫૫ વર્ષ) સાથે બીજા લગ્ન કર્યા હતાં. ગઇકાલે રાત્રે નવેક વાગ્યાની આસપાસ બંને વાડીની પતરાવાળી ઓરડીમાં જમીને સૂઇ ગયા હતા ત્યારે અચાનક અજાણ્યો શખ્સ દરવાજો તોડી, અંદર ધસી આવ્યો હતો. આવીને તેની ઉપર ધારિયાથી હુમલો કર્યો હતો.
તેણે હાથ આડો ધર્યો હતો. આમ છતાં ધારિયું બંને હાથમાં અને કાનની નીચે ડોક ઉપર વાગી જતાં લોહી નીકળવા લાગ્યું હતું. બૂમાબૂમ કરી હતી પરંતુ તેનો અવાજ સાંભળવાવાળુ કોઇ હતું નહીં. ઓરડીમાં ઓછો પ્રકાશ હોવાથી અજાણ્યા શખ્સ સાથે બીજું કોઇ હતું કે કેમ તેનો ખ્યાલ રહ્યો ન હતો. ઓરડી બહાર નીકળી તે ભાગવા જતાં દિવાલ સાથે અથડાતા ફરીથી ઘવાયો હતો. ભાગતો હતો ત્યારે પત્નીને ‘મને મારો મા’ એમ બૂમો પાડતી સાંભળી હતી.
તે શેઠના મોબાઇલ નંબર ગોતતો-ગોતતો ભાગવા લાગ્યો હતો. આ દરમિયાન બાજુની વાડીએ આવેલી એક મહિલાને તેના શેઠને જાણ કરવા કહ્યું હતું. ત્યાર પછી તે આંટા મારતો હતો ત્યારે શેઠ મનસુખભાઈ મળી ગયા હતા. જેથી તેની સાથે વાડીએ આવીને જોતાં પત્ની જમકુ ઉર્ફે રોમકી ઓરડીમાં લોહીલુહાણ હાલતમાં પડી હતી. તેના માથામાં ધારદાર હથિયારથી હુમલો થયાનું જણાયું હતું.
શેઠ મનસુખભાઈએ પોલીસ અને ૧૦૮ને જાણ કરી હતી. જેમાંથી ૧૦૮ના સ્ટાફે આવી તેની પત્ની જમકુ ઉર્ફે રોમકીને મૃત જાહેર કરી હતી. આ પછી તેણે સિવિલમાં જઇ સારવાર લીધી હતી.
આ માહિતીના આધારે એરપોર્ટ પોલીસે હાલ લખડીયાને જ ફરિયાદી બનાવી અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. આ ઘટનામાં ખરેખર શું બન્યું, કેવા સંજોગોમાં જમકુ ઉર્ફે રોમકીની હત્યા થઇ તે બાબતે પોલીસને કોઇ માહિતી મળી નથી રહી. હાલ પોલીસે લખડીયાને જ શંકાના દાયરામાં રાખી પૂછપરછ હાથ ધરી છે. આ ઉપરાંત અન્ય દિશામાં પણ તપાસ જારી રાખી છે.