Vadodara Crime : વડોદરામાં માંડવી વિસ્તારમાં રાજપુરાની પોળમાં રહેતા ઈરફાન ઉસ્માન ગની શેખે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે જમી પરવારીને હું પોળના નાકે મારા ભત્રીજા આમિર સાથે બેઠો હતો અને અમે બંને મોબાઇલમાં ગેમ રમતા હતા. રાત્રે 11:30 વાગે અમારા મોહલ્લામાં રહેતો સરફરાજ હુસેન શેખ મારી પાસે આવીને કહેવા લાગ્યો હતો કે અહીંયા કેમ બેઠા છો? શું કરો છો? સરફરાજએ ગાળો બોલી કહ્યું કે તારે અહીંયા બેસવું નહીં તેનું કારણ પૂછતાં તે એકદમ ઉસ્કેરાઈ ગયો હતો અને લોખંડની પાઈપ વડે મારા મોઢાના ભાગે માર માર્યો હતો. બૂમાબૂમ થતા આમીર તથા મારી પત્ની મને છોડાવવા માટે દોડી આવ્યા હતા. સરફરાજે ત્યાંથી ભાગતા મને ધમકી આપેલી હતી કે હું તને જીવતો છોડીશ નહીં તને તો પતાવી દઈશ..!
જ્યારે સામાં પક્ષે સરફરાજે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે રાત્રે 11:30 વાગે અમારા ફ્લેટમાં રહેતા ઈરફાન સાથે સામાન્ય બોલાચાલી થયા બાદ હું મારા ઘરે જઈને સૂઈ ગયો હતો. મારા નાના ભાઈ વસીમ ઉપર ફારૂક ભઠીયારાએ ફોન કરીને સમાધાનની વાત કરી હતી. જેથી હું અને મારી પત્ની સમાધાનની વાત કરવા માટે નીચે ઉતર્યા હતા. અમે વાતો કરતા હતા તે દરમિયાન ફારૂક ભઠિયારો તથા મહંમદ હુસેન તથા ફૈઝ ફારુક અને ઉઝૈર ઉસ્કેરાઈ ગયા હતા. પાઇપ અને લોખંડના તવેથા વડે મને માર માર્યો હતો મારી પત્ની મને છોડાવવા વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો.