Surat Corporation Pay and Park : સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે પાલિકાના કેટલાક કોન્ટ્રાક્ટર બેફામ બન્યા છે. સુરતના ઉધના દરવાજા પાસે આવેલા એક મોલ બહાર ફુટપાથ પર પાલિકાના પે એન્ડ પાર્કના બોર્ડ લાગ્યા છે અને પાર્કિંગની રસીદ આપીને લોકો પાસે ફુટપાથ પર વાહન પાર્ક કરાવી પાર્કિંગ ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે. પાલિકાએ લોકોના ચાલવા માટે લાખો રૂપિયાના ખર્ચે ફૂટપાથ બનાવ્યા છે પરંતુ તેના પર પાર્કિંગ કરાવવામાં આવી રહ્યું છે જો પાલિકા તપાસ કરે તો મસમોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.
શહેરના ટ્રાફિકથી ધમધમતા ઉધના દરવાજા વિસ્તારમાં પાલિકાએ આવકના સ્ત્રોત ઉભા કરવા માટે ઓન સ્ટ્રીટ પાર્કિંગ જાહેર કર્યું છે. જોકે, પાલિકાએ કોન્ટ્રાકટ આપ્યો છે તે સિવાયની જગ્યાએ પણ વાહન પાર્ક કરાવી ગેરકાયદે પૈસા ઉઘરાવતા હોવાની ફરિયાદ થઈ રહી છે. ઉધના દરવાજા પાસપોર્ટ ઓફિસ સામે મોલ આવ્યો છે તેની બહાર બનેલા ફુટપાથ પર પાલિકાના પે એન્ડ પાર્ક નું બોર્ડ લાગ્યું છે. આ ઉપરાંત દિવાલ પર પણ અનેક જગ્યાએ પે એન્ડ પાર્કના બોર્ડ લાગ્યા છે.
લોકોને અકસ્માતથી બચાવવા માટે લાખો રૂપિયાના ખર્ચે ફૂટપાથ બનાવી છે તેના પર જ પાલિકાનું પે એન્ડ પાર્ક નું બોર્ડ આશ્ચર્ય સર્જે છે. આ ફૂટપાથ પર પર કોન્ટ્રાક્ટરના માણસો વાહન પાર્ક કરાવે છે અને રસીદ આપી ચાર્જ પણ વસુલે છે. જેના કારણે પાલિકાએ ફુટપાથ પર જ પે એન્ડ પાર્ક આપ્યું હોવાની ફરિયાદ છે. લોકોને ચાલવા માટે ફુટપાથ છે તેના પર પે એન્ડ પાર્કના બોર્ડ કઈ રીતે લાગી શકે ? જો આ પે એન્ડ પાર્ક ન હોય તો પાલિકા બોર્ડ કાઢતી કેમ નથી અને પૈસા વસુલ કરનારા સામે પગલાં કેમ ભરતી નથી ? પાલિકાની કામગીરી સામે આવા અનેક પ્રશ્નો ઉભા થયા છે. બીજી તરફ પાલિકાની આ નબળી કામગીરીને પગલે લોકોએ ફૂટપાથના બદલે રોડ પર ચાલવું પડે છે. જો આ કિસ્સામાં તપાસ કરવામા આવે તો કૌભાંડ બહાર આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.