Lion Census in Gujarat: આગામી મહિને 16મી સિંહ વસ્તી ગણતરી થવાની છે. 1979ના લાયન સેન્સસથી ચાલ્યા આવતા સામાન્ય ક્રમ મુજબ હવે આગામી ગણતરીમાં પણ સિંહોની વસ્તી વધવાના દાવા તો થઈ રહ્યા છે પરંતુ છેલ્લી ત્રણ ગણતરીના આંકડા અને મર્યાદીત જંગલ ઉપરાંત જંગલ બહારના વિસ્તારમાં પ્રવર્તતી સ્થિતિઓએ કેટલાક સવાલો ઊભા કરી દીધા છે. જેમ કે સિંહો માટેના જંગલની ક્ષમતા પૂર્ણ થઈ ગઈ છે અને છેલ્લી ત્રણ ગણતરીના આંકડા મુજબ હવે બહારના વિસ્તારમાં જ સિંહોનો વ્યાપ વધી રહ્યો છે એવામાં, બહારના વિસ્તારોમાં અતિક્રમણ ખૂબ વઘ્યું હોવાથી હવે બહારના વિસ્તારમાં સિંહોની વસ્તી કેટલી દર્શાવવી તે એક અવઢવ છે.
જેટલા સિંહ જંગલમાં એટલા જ જંગલની બહાર ઔદ્યોગિકરણના કારણે સાવજનું ટકી રહેવું મુશ્કેલ
પાછલી સિંહ ગણતરીના જાહેર થયેલા રિપોર્ટ મુજબ 345 સિંહો જંગલમાં અને 329 સિંહો જંગલની બહાર એટલે કે રક્ષિત વિસ્તારની બહાર વસવાટ કરી રહ્યા છે. દર પાંચ વર્ષે યોજાતી ગણતરી મુજબ છેલ્લી ત્રણ ગણતરીના આંકડા પર નજર કરીએ તો જંગલમાં વસતા સિંહોની સંખ્યા 337થી 356 સુધી રહી છે. તેમાંય વર્ષ 2020માં જંગલમાં 11 સિંહો ઘટ્યા છે, તેવી જ રીતે બહારના વિસ્તારમાં 2010માં સિંહોની સંખ્યા 74 હતી તે વર્ષ 2020માં 329 પર પહોંચી છે. આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે, જંગલ સિંહો માટે પૂર્ણ થઈ ગયું છે, જે વસ્તી વધી રહી છે તે બહારના વિસ્તારમાં એટલે કે રક્ષિત સિવાયના વિસ્તારમાં વધે છે.
રક્ષિત સિવાયના વિસ્તારમાં જ્યાં સિંહોનો વસવાટ દર્શાવાયો છે ત્યાં સરકાર અને વન વિભાગની નીતિઓના કારણે અતિક્રમણ વધી રહ્યું છે. સિંહોનો જે ભ્રમણ વિસ્તાર છે ત્યાં પણ મુશ્કેલીઓ ઉભી થઈ ગઈ છે. બહારના વિસ્તારમાં ખાણ ખનીજને લગતા ધંધાઓ, સોલાર પ્લાન્ટ, પવન ચક્કી, હોટલ-રિસોર્ટ, પ્રવાસન સહિતના અનેક ધંધાઓ ફુલ્યાફાલ્યા છે. આવી સ્થિતિના કારણે જે બહારનો વિસ્તાર છે ત્યાં સિંહોને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જંગલની જેમ જ બહારના વિસ્તારની મર્યાદા પૂરી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે, જેના કારણે જાણકારોને મોટો વધારો શક્ય દેખાતો નથી. આવી સ્થિતિના કારણે ભવિષ્યમાં બહાર વસવાટ કરતા સિંહોની સંખ્યામાં ઘટાડો થાય તો પણ નવાઈ નહી.
આ પણ વાંચો: ગુજરાતમાં ગન કલ્ચર : કાયદાની છટકબારીના ઉપયોગથી બીજા રાજ્યના લાઈસન્સ મેળવી ‘સીનસપાટાનો ખેલ’
10 વર્ષ પહેલાંનો પડતર વિસ્તાર અત્યારે થઈ ગયો ધમધમતો
સૌથી મહત્વનું એ છે કે, જંગલની બહારના વિસ્તારમાં માલિકીના ડુંગરાઓ, પડતર જમીનો પણ દિવસે-દિવસે ઘટી રહ્યાં છે. અગાઉ એટલે કે 10 વર્ષ પહેલાં જે વિસ્તાર જંગલ જેવો જ હતો તેમાંથી મોટાભાગનો વિસ્તાર હવે ધંધા, ખેતી કે કોઈપણ હેતુ માટે ધમધમતો થઈ ગયો છે. આવી સ્થિતિ વચ્ચે જંગલ બહાર સિંહોની શું હાલત હોય તે કલ્પના કરવી જ રહે.
વન તંત્રને લગત સરકારી નીતિઓ પણ સિંહોને બાધારૂપ
બહારના વિસ્તારને સુરક્ષિત રાખવાને બદલે અનેક નીતિઓ જેવી કે ચીફ વાઈલ્ડલાઈફ વોર્ડનની સાામાં ઘટાડો કરી તે સાા સ્થાનિક રેવન્યુ વિભાગ સહિતનાઓને આપવાના નિર્ણય સહિતના મુદ્દે બહારના સિંહો અનેક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. છેલ્લી ત્રણ ગણતરીના આંકડા મુજબ બહારના વિસ્તારોમાં સિંહો જે રીતે વધી રહ્યા છે તે ઢબે આ વખતે ખરા અર્થમાં વધેલા જણાશે ખરા? વન વિભાગ પણ બહારના વિસ્તારમાં સિંહોની વસ્તીમાં કેટલા ટકા વધારો દર્શાવવો તે અંગે દ્વિધામાં હોવાનું જાણવા મળ્યું છે કેમ કે, જંગલનો વિસ્તાર તો સિમીત થઈ ગયો છે, જે વધારો દર્શાવવો હોય તે બહાર જ દર્શાવવો પડે તેમ છે.
14, 27, 29 ટકા બાદ હવે કેટલા ટકા વધારો કેવી રીતે દર્શાવાશે
છેલ્લી ત્રણ ગણતરીના આંકડા મુજબ સિંહોની વસ્તીમાં વર્ષ ૨005ની સ્થિતિ સાપેક્ષ વર્ષ 2010માં 14 ટકા, 2015માં પાંચ વર્ષના 13 ટકાની વૃઘ્ધિ સાથે કુલ 27 ટકા અને 2020માં પાંચ વર્ષની માત્ર 2 ટકાની વૃદ્ધિ સાથે કુલ 29 ટકા વધારો દર્શાવાયો છે. હવે વર્તમાન તમામ સંજોગો જોઈ કેટલા ટકા વધારો જાહેર કરવામાં આવે તે અંગે અનેક અટકળો શરૂ થઈ ગઈ છે.