Image Source: Twitter
Waqf Amendment Act: વક્ફ સુધારા બિલ ગુરુવારે રાત્રે લોકસભા અને શુક્રવારે રાજ્યસભામાં પાસ થઈ ગયુ અને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ હવે તે કાયદો બની ગયો છે. બીજી તરફ સમગ્ર દેશના મુસ્લિમો અને વિપક્ષ આ બિલનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે હવે મણિપુરમાં ભાજપ નેતાને વક્ફ સુધારા બિલને ટેકો આપવું ભારે પડી ગયું છે. ટોળાએ ભાજપ નેતાના ઘરને આગ ચાંપીને ફૂંકી માર્યું છે. આ મામલે પોલીસે જણાવ્યું કે, મણિપુરમાં ભાજપ લઘુમતી મોરચાના અધ્યક્ષ અસકર અલીએ વક્ફ સુધારા કાયદાને સમર્થન આપ્યું હતું. તેનાથી રોષે ભરાયેલા ટોળાએ આ પગલું ભર્યું છે. આ ઘટના રવિવારે રાત્રે થૌબલ જિલ્લાના લિલોંગમાં બની હતી.
રાત્રે ઘરની બહાર રોષે ભરાયેલી ભીડ એકઠી થઈ
અધિકારીઓએ જણાવ્યું કે, ‘અસકર અલીએ સોશિયલ મીડિયા પર વક્ફ સુધારા બિલનું સમર્થન કર્યું હતું. ત્યારબાદ રવિવારે રાત્રે લગભગ 9:00 વાગ્યે તેમના ઘરની બહાર રોષે ભરાયેલા લોકો એકઠા થઈ ગયા હતા. જોત-જોતામાં આ ટોળાએ તોડફોડ શરૂ કરી દીધી અને ઘરને ફૂંકી માર્યું.’
પાછલા નિવેદન પર માફી માગી
આગજનીની ઘટના બાદ અસકર અલીએ એક નવો વીડિયો જારી કર્યો છે. આમાં તેમણે પોતાના પાછલા નિવેદન માટે માફી માંગી. તેમણે વક્ફ સુધારા કાયદાનો વિરોધ પણ કર્યો.
આ પણ વાંચો: વક્ફ બિલ પાસ થઈ જતાં વિપક્ષ પાસે 3 વિકલ્પ…. જે કલમ 370, CAA વખતે ન થયું તે હવે થશે?
સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ
બીજી તરફ ઈમ્ફાલ ઘાટીના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં વક્ફ સુધારા કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થયા. આ પ્રદર્શનમાં પાંચ હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. લિલોંગમાં NH-102 પર ટ્રાફિક જામ પણ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, થૌબલના ઈરોંગ ચેસાબામાં સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ પણ થયુ હતું.
મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં સુરક્ષા વધારાઈ
પ્રદર્શનકારીઓએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ ખૂબ સૂત્રોચ્ચાર કર્યા. વિરોધ પ્રદર્શનમાં સામેલ સાકીર અહેમદે કહ્યું કે, ‘વક્ફ સુધારો કાયદો બંધારણની ભાવનાની વિરુદ્ધ છે. મુસ્લિમ સમુદાય તેને સ્વીકારશે નહીં.’ અધિકારીઓનું કહેવું છે કે, ઈમ્ફાલ ઘાટીના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. વધારાના સુરક્ષા દળોને તહેનાત કરવામાં આવ્યા છે.
વક્ફ સુધારા બિલ ગુરુવારે રાત્રે લોકસભા અને શુક્રવારે રાજ્યસભામાં પાસ થયું હતું અને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ હવે તે કાયદો બની ગયો છે. નવા કાયદાનો ઉદ્દેશ્ય વક્ફ સંપત્તિઓના સંચાલનને સુવ્યવસ્થિત કરવાનો છે.